RBIનો ધડાકો! આ પાંચ મુસ્લિમ દેશોએ ભારતમાં ખડકલો કર્યો રૂપિયાનો! ખાડી દેશોમાં આ દેશ મોખરે
RBIના રિપોર્ટ અનુસાર 2023-24માં ₹3,896.3 અબજ રૂપિયા આવ્યા, સંયુક્ત આરબ અમીરાત સૌથી મોટો સ્ત્રોત.

India remittance report: મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા તાજેતરના બુલેટિન રિપોર્ટ ભારતીય અર્થતંત્ર માટે એક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં વિદેશમાંથી અબજો રૂપિયાનું રેમિટન્સ આવ્યું છે, જે દેશના વિદેશી મુદ્રા ભંડારને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થયું છે. ખાસ વાત એ છે કે આ વિદેશી ભંડોળમાં મુખ્ય યોગદાન પાંચ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનું છે, જેમાં ખાડી દેશોએ સૌથી મોટો હિસ્સો નોંધાવ્યો છે.
RBIના બુલેટિન 2025માં દર્શાવવામાં આવેલા આંકડાઓ મુજબ, વર્ષ 2023-24 દરમિયાન ભારતને પ્રાપ્ત થયેલા કુલ રેમિટન્સમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના દેશોનો હિસ્સો આશરે 38 ટકા જેટલો રહ્યો છે. આ GCCમાં સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, કતાર, ઓમાન અને બહેરીન જેવા મહત્વપૂર્ણ દેશોનો સમાવેશ થાય છે. જો આપણે કુલ રેમિટન્સની વાત કરીએ તો, વર્ષ 2023-24માં ભારતમાં કુલ 118.7 બિલિયન અમેરિકન ડોલરનું વિદેશી ભંડોળ આવ્યું હતું. આ વિશાળ રકમનો 38 ટકા હિસ્સો માત્ર આ પાંચ ખાડી દેશોમાંથી પ્રાપ્ત થયો છે. જો આ આંકડાને ડોલરમાં જોઈએ તો તે આશરે 45.10 બિલિયન ડોલર થાય છે, જ્યારે ભારતીય રૂપિયામાં તેની ગણતરી કરીએ તો આ રકમ આશરે 3,896.3 અબજ રૂપિયા જેટલી થાય છે. આ આંકડો ભારતીય અર્થતંત્ર માટે કેટલો મહત્વપૂર્ણ છે તેનો અંદાજ લગાવી શકાય છે.
ખાડી દેશોમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) મોખરે:
ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના દેશોમાં પણ ભારતને સૌથી વધુ નાણાં મોકલવામાં સંયુક્ત આરબ અમીરાત (UAE) પ્રથમ ક્રમે છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં આવેલા કુલ રેમિટન્સમાં UAEનો વ્યક્તિગત હિસ્સો 19.2 ટકા નોંધાયો છે. આ આંકડો વર્ષ 2020-21માં 18 ટકા હતો, જે દર્શાવે છે કે UAEમાંથી ભારતમાં નાણાં મોકલવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વાસ્તવમાં, સંયુક્ત આરબ અમીરાત ભારતીય સ્થળાંતર કામદારો માટે એક મુખ્ય કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં ભારતીયો બાંધકામ ઉદ્યોગ, આરોગ્ય સંભાળ, હોસ્પિટાલિટી અને પર્યટન જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવી રહ્યા છે, જેના કારણે તેઓ નિયમિત રીતે પોતાના વતન દેશમાં નાણાં મોકલતા રહે છે.
વિશ્વ સ્તરે અમેરિકાનું યોગદાન સૌથી વધુ:
જો ગલ્ફ દેશોની વાત કરીએ તો UAE નિઃશંકપણે પ્રથમ સ્થાને છે, પરંતુ જ્યારે સમગ્ર વિશ્વના દેશોની યાદી પર નજર કરીએ તો રેમિટન્સના મામલે અમેરિકા સૌથી મોટો સ્ત્રોત છે. RBIના માર્ચ 2025ના બુલેટિનમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24માં ભારતમાં આવેલા કુલ રેમિટન્સમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA)નો હિસ્સો સૌથી વધુ 27.7 ટકા રહ્યો હતો. જ્યારે વર્ષ 2020-21માં આ આંકડો 23.4 ટકા હતો. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયો તેમના દેશમાં સૌથી વધુ પ્રમાણમાં નાણાં મોકલે છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય વ્યાવસાયિકો અને અન્ય ક્ષેત્રોના લોકો કામ કરે છે, જેઓ નિયમિત રીતે પોતાના પરિવારજનોને નાણાં મોકલતા હોય છે.
આમ, RBIના આ બુલેટિનથી સ્પષ્ટ થાય છે કે વિદેશમાં વસતા ભારતીયો દેશના અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ખાસ કરીને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના દેશો અને અમેરિકા દ્વારા મોકલવામાં આવતું રેમિટન્સ ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વનું છે અને વિદેશી મુદ્રા ભંડારને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આ આંકડા એ પણ દર્શાવે છે કે મોટી સંખ્યામાં ભારતીયો રોજગારી માટે વિદેશમાં સ્થાયી થયા છે અને તેઓ પોતાના દેશ સાથે મજબૂત નાણાકીય સંબંધો જાળવી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
