ઈન્ડિયન ઓઈલનાં ‘પરિવર્તન - પ્રિઝન ટુ પ્રાઈડ’ પગલામાં યેરવડા જેલની ભારતીય ટીમે કેદીઓ માટેની ઈન્ટરકોન્ટીનેન્ટલ ચેસ ફોર ફ્રીડમ ઓનલાઈન ચેમ્પિયનશીપ્માં બ્રોન્ઝ મેડલ જીત્યો
પરિવર્તન - પ્રિઝન ટુ પ્રાઈડ કાર્યક્રમમાં ઈન્ડિયન ઓઈલ દ્વારા ભારતની વિવિધ જેલોમાં બાસ્કેટબોલ, બેડમીન્ટન, વોલીબોલ અને કેરમમાં કેદીઓની શારીરિક, માનસિક સુખાકારી માટે તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે.
વર્લ્ડ ચેસ ફેડરેશન (એફઆઈડીઈ) દ્વારા આયોજિત કેદીઓ માટેની ઈન્ટરકોન્ટીનેન્ટલ ચેસ ફોર ફ્રીડમ ઓનલાઈન ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી પુનાની યેરવડા જેલની ચેસ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં 46 દેશોની 85 ટીમોએ ભાગ લીધો હતો. ઈન્ડિયન ઓઈલે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન સાથેના સહયોગમાં ‘પરિવર્તન - પ્રિઝન ટુ પ્રાઈડ’ ઓનલાઈન ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ભારતીય ટીમની પસંદગી કરી હતી. જેમાં 20 જેલોએ ભાગ લીધો હતો. પુના અને પ્રયાગરાજ જેલોની ટીમો ઈન્ટરકોન્ટીનેન્ટલ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ક્વોલીફાય થઈ હતી. આવી જ રીતે તિહાર જેલની મહિલાઓ અને જુવેનાઈલ ટીમો પોતાની કેટેગરીઓ માટે ક્વોલિફાય થઈ હતી.
આ ટુર્નામેન્ટને ઈન્ડિયન ઓઈલનાં ‘પરિવર્તન - પ્રિઝન ટુ પ્રાઈડ’ પગલાંનો અનન્ય સહકાર હતો. આ પગલું ઈન્ડિયન ઓઈલનાં ચેરમેન શ્રી એસ એમ વૈદ્ય દ્વારા સંકલ્પિત કરવામાં આવ્યું છે. જેમાં દેશની વિવિધ જેલોનાં કેદીઓ સ્પોર્ટસ કોચીંગ કાર્યક્રમો દ્વારા પ્રવૃત્ત અને પુનઃ વસવાટ કરી શકે છે. ભારતીય ટીમને અભિનંદન આપતા શ્રી વૈદ્યએ જણાવ્યું હતું કે આ જીત માટે યેરવડા ટીમને મારા અભિનંદન છે. આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલનાં સ્પોર્ટસ સ્ટાર્સની પણ હું કદર કરું છું કે જેઓ આગળ આવ્યા અને આ ચેમ્પિયનોને કોચીંગ આપ્યું. આવી સફળતાઓથી આપણી આજુબાજુનાં સમુદાયનું જીવન ધોરણ સુધરશે તેવો મને વિશ્વાસ છે.
‘પરિવર્તન - પ્રિઝન ટુ પ્રાઈડ’ કાર્યક્રમમાં ઈન્ડિયન ઓઈલ દ્વારા ભારતની વિવિધ જેલોમાં વિવિધ રમતો જેમ કે ચેસ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, વોલીબોલ અને કેરમમાં કેદીઓની શારીરિક અને માનસિક સુખાકારી માટે તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે.
તા. 15 ઓગસ્ટ, 2021થી આરંભાયેલા આ કાર્યક્રમમાં ઈન્ડિયન ઓઈલે 20 રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોની 37 જેલોને અને 1750 કેદીઓને ત્રણ તબક્કાઓમાં આવરી લીધા છે. ઈન્ડિયન ઓઈલનાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ખેલાડીઓ દ્વારા આ કાર્યક્રમની દેખરેખ રાખવામાં આવે છે અને ભાગ લેતા કેદીઓને કીટસ અને સાધનો પુરા પાડવામાં આવે છે.
ઈન્ડિયન ઓઈલ તરફથી તેનાં નિપૂણ ખેલાડીઓ વિવિધ રમતોમાં કોચીંગ આપે છે. જેમાં ચેસમાં ગ્રાન્ડમાસ્ટર્સ સુશ્રી ઈશા કરવડે, સુશ્રી સૌમ્યા સ્વામિનાથન, સુશ્રી પદ્મીની રાઉત, શ્રી એસ એસ ગાંગુલી અને શ્રી અભિજીત કુંતે બેડમિન્ટનમાં સુશ્રી મંજુશા કુંવર (ભૂતપૂર્વ નેશનલ ચેમ્પિયન), શ્રી અભિજીત શ્યામ ગુપ્તા (અર્જુન એવોર્ડ), અને શ્રી એસ અરૂણવિષ્ણુ (ભૂતપૂર્વ નેશનલ ચેમ્પિયન), ટેનીસમાં સુશ્રી રશ્મિ ચક્રવર્તી, કેરમમાં જાણીતાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ શ્રી યોગેશ પરદેશી, મોહ ગુરફાન, સુશ્રી કાજલ કુમારી અને શ્રી રમેશ બાબુનો સમાવેશ થાય છે.