Maruti Suzukiની કારો ફરી મોંઘી થઈ, આ વર્ષે 5.4% ભાવ વધ્યા, પણ આ મોડલ જૂના ભાવમાં ઉપલબ્ધ
અગાઉ ઓટો કંપનીએ આ વર્ષે જાન્યુઆરી અને એપ્રિલમાં કિંમતોમાં વધારો કર્યો હતો.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (MSI) એ 6 સપ્ટેમ્બરે તેના વાહનોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકીની જાહેરાત મુજબ, તેની તમામ કારની કિંમતોમાં તાત્કાલીક જ 1.9 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. જોકે, એક જ કાર સેલેરિયોની કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં. રેગ્યુલેટરી ફાઈલિંગ અનુસાર, કંપનીએ જણાવ્યું હતું કે, ખર્ચ વધવાને કારણે કારણે જ તમામ કારની કિંમતો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ત્રીજી વખત કંપનીએ કિંમતોમાં વધારો કર્યો છે. સેલેરિયોને છોડીને અન્ય તમામ કારની કિંમતો દિલ્હીના એક્સ-શોરૂમમાં 1.9 ટકા વધી છે.
2.99 લાખથી કારની કિંમત
અગાઉ ઓટો કંપનીએ આ વર્ષે જાન્યુઆરી અને એપ્રિલમાં કિંમતોમાં વધારો કર્યો હતો. આજે તેના ભાવમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે અત્યાર સુધી કંપનીએ કિંમતમાં લગભગ 5.4 ટકાનો વધારો કર્યો છે. હાલમાં, કંપની એન્ટ્રી-લેવલ હેચબેક અલ્ટોથી S-CROSS સુધીના રેન્જનું વેચાણ કરી રહી છે, જેની કિંમત 2.99 લાખથી 12.39 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે છે. MSIના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (વેચાણ અને માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, કોમોડિટીના ભાવમાં વધારો અને સામગ્રીના ખર્ચને આવરી લેવા માટે સપ્ટેમ્બરમાં તેને ફરીથી ભાવ વધારવાની ફરજ પડી છે.
કાચા માલની કિંમતોમાં વધારો થવાને કારણે કાર મોંઘી થાય છે
મારુતિ સુઝુકીએ ગયા મહિને કહ્યું હતું કે કોમોડિટીની કિંમતોમાં તીવ્ર વધારો વચ્ચે તેની નફાકારકતા જાળવવા માટે ભાવવધારા અંગે નિર્ણય લેવો જરૂરી બની ગયો છે. શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, આ વર્ષે મે-જૂન 2021માં સ્ટીલની કિંમત ગયા વર્ષે 38 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 65 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અને તાંબાની કિંમત લગભગ 5200 ડોલર પ્રતિ ટનથી વધીને 10 હજાર ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે. રોડીયમ જેવી કિંમતી ધાતુની કિંમતમાં પણ વધારો થયો છે, જે મે 2020 માં 18,000 રૂપિયા પ્રતિ ગ્રામ હતો, તે હવે જુલાઈ 2021 માં વધીને 64,300 રૂપિયા પ્રતિ ગ્રામ થયો છે.