મોંઘવારીમાં રાહતનો વરસાદ! પેટ્રોલ, ડીઝલ અને ગેસ થશે સસ્તા, કેન્દ્રીય મંત્રીએ આપ્યું ગ્રીન સિગ્નલ!
વૈશ્વિક બજારમાં તેલ ઉત્પાદન વધવાની શક્યતા, ભાવો ઘટવાની આશા, મોંઘવારી નિયંત્રણમાં રહેશે: હરદીપ સિંહ પુરી
Petrol diesel gas price cut: સામાન્ય માણસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડાની રાહ જોવાઈ રહી હતી, જે હવે ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું છે કે આગામી સમયમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલ ઉત્પાદન વધારવાની તૈયારીઓને પગલે ઈંધણના ભાવમાં ઘટાડો થશે અને તેનાથી મોંઘવારીને અંકુશમાં લેવામાં મદદ મળશે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, “અમેરિકામાં, તેમણે (ટ્રમ્પે) ‘ડ્રિલ, બેબી, ડ્રિલ’ની નીતિ અપનાવી છે, જેનો સ્પષ્ટ સંકેત છે કે તેઓ વધુ ડ્રિલિંગ કરશે અને વધુ તેલનું ઉત્પાદન કરશે. તેમણે સત્તાવાર રીતે કહ્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય તેલની કિંમતોને નીચે લાવવા માંગે છે.” મંત્રી પુરીએ વધુમાં ઉમેર્યું કે, “મને લાગે છે કે વૈશ્વિક ઊર્જાની સ્થિતિમાં હવે સુધારો થશે. બજારમાં વધુ તેલ અને ગેસ આવશે, જેના કારણે કિંમતોમાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. જ્યારે નીચા ભાવે પૂરતી માત્રામાં ઊર્જા ઉપલબ્ધ થશે, ત્યારે તે દેશમાં ફુગાવાને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ સાબિત થશે.”
હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય ફુગાવાને કાબૂમાં રાખવા માટે 'નીચા ભાવે' પૂરતું તેલ ખરીદવાનો છે. એટલું જ નહીં, તેમણે તેલની ખરીદીમાં ડોલરના ઉપયોગને દૂર કરવાના કોઈપણ ઇરાદાને નકારી કાઢ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'મોટાભાગના તેલના આંતરરાષ્ટ્રીય વ્યવહારો ડોલરમાં જ થાય છે અને ભવિષ્યમાં પણ ડોલરમાં જ થતા રહેશે.’ મંત્રી પુરીના મતે, ઉર્જા ક્ષેત્રે ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનશે. તેમણે માહિતી આપતા જણાવ્યું કે, ભારત આર્જેન્ટિના સહિત વિશ્વના લગભગ 40 દેશોમાંથી તેલની આયાત કરે છે અને વિશ્વ બજારમાં પૂરતું તેલ ઉપલબ્ધ હોવાથી, જે તેલ ઉત્પાદક દેશો ઉત્પાદનમાં કાપ મૂકે છે તેમને પણ તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવાની ફરજ પડશે.
હરદીપ સિંહ પુરીના આ નિવેદનથી સામાન્ય જનતાને પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવોમાં રાહત મળવાની આશા જાગી છે. જો વૈશ્વિક બજારમાં તેલનું ઉત્પાદન વધે અને ભાવો ઘટે તો, ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો જોવા મળી શકે છે, જેનાથી મોંઘવારીને નિયંત્રિત કરવામાં ઘણી મદદ મળશે અને સામાન્ય નાગરિકોને રાહતનો શ્વાસ મળશે.
આ પણ વાંચો....
8મું પગારપંચની રાહ જોતા કર્મચારીઓ માટે મોટા સમાચાર! નિષ્ણાતોએ જણાવી અમલની સંભવિત તારીખ!
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
