કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ
કેન્દ્રીય મંત્રીમંડળની શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025 ના રોજ મળેલી બેઠકમાં ગ્રામીણ રોજગાર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

MNREGA Rename News : કેન્દ્રીય મંત્રીમંડળની શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025 ના રોજ મળેલી બેઠકમાં ગ્રામીણ રોજગાર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) નું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખવામાં આવ્યું છે.
યોજના હેઠળ કામકાજના દિવસોની સંખ્યા પણ વધારીને 125 કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકારે લઘુત્તમ વેતનમાં પણ સુધારો કર્યો છે, તેને વધારીને ₹240 પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે. ચાલો આ ફેરફારો વિશે વધુ જાણીએ...
આ યોજના મૂળ રૂપે NREGA નામથી શરૂ કરવામાં આવી હતી
આ યોજના શરૂઆતમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 (NREGA) તરીકે શરૂ કરવામાં આવી હતી. બાદમાં, તત્કાલીન સરકારે તેમાં સુધારો કરીને તેનું નામ બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) રાખ્યું હતું.
ત્યારથી, તેને MNREGA કહેવામાં આવે છે. હવે, કેન્દ્રની ભાજપ સરકારે તેનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખવાનો નિર્ણય લીધો છે. કાર્યકારી દિવસોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
મનરેગા હેઠળ કયા પ્રકારના કામ આવરી લેવામાં આવે છે ?
મનરેગા હેઠળ આપવામાં આવતું કામ મોટે ભાગે શ્રમ-સઘન હોય છે. આ કામોમાં રસ્તાનું કામ, જળ સંરક્ષણ પ્રવૃત્તિઓ, તળાવ ઊંડા કરવાના કામ, બાગકામ અને ગામડાઓમાં સમુદાય વિકાસને લગતા વિવિધ નાના-મોટા વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. આ યોજનાના ફાયદાઓની વાત કરીએ તો, તેનાથી ગ્રામીણ વિસ્તારોની આર્થિક સ્થિતિ મજબૂત થઈ છે.
વધુમાં, ગામડાઓમાં કામની ઉપલબ્ધતાથી ગ્રામજનોની આવક સ્થિર થઈ છે. આ યોજનામાં મહિલાઓની ભાગીદારી પણ નોંધપાત્ર રીતે વધી છે. હવે, નામ બદલવા અને કાર્યકારી દિવસોની સંખ્યામાં વધારો કરવાના સરકારના નિર્ણયથી ગ્રામીણ મજૂરોને સીધો ફાયદો થશે. વધેલા વેતનથી તેમની આવકમાં પણ વધારો થશે.
મનરેગા યોજનાને વર્ષ 2005માં UPA સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેને ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાને કરોડરજ્જુ માનવામાં આવે છે. તે 25 કરોડથી વધારે પરિવારોની આજીવિકાને સુરક્ષા આપે છે. બેરોજગારી ઓછી કરે છે અને સ્થાયી સંપત્તિ બનાવે છે. 2025-26ના બજેટમાં તેના માટે 86,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે પાછલા વર્ષ કરતા 10 ટકા વધારે છે. ગામડામાં લોકોને સરળતાથી રોજગારી મળી રહે છે.





















