સોનાનો ભાવ ₹ ૧ લાખ સુધી પહોંચવાની તૈયારીમાં, ટ્રમ્પના એક નિર્ણયથી સોના ચાંદીના ભાવમાં ભડકો
ભૂ રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાએ રોકાણકારોને સોના તરફ વાળ્યા; સ્ટીલ એલ્યુમિનિયમ પર ૫૦% ટેરિફ ૪ જૂનથી અમલમાં આવશે

Trump impact on gold price: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૫૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આ જાહેરાતથી રોકાણકારોમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે, જેના પરિણામે સુરક્ષિત રોકાણ ગણાતા સોના તરફ તેમનો ઝુકાવ વધ્યો છે. નિષ્ણાતોના મતે, ભૌગોલિક રાજકીય તણાવ પણ સોનાના ભાવમાં વધારો કરી રહ્યો છે, જેના કારણે દિલ્હીમાં સોનાનો ભાવ ફરી એક લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચવાની તૈયારીમાં છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ૫૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ જાહેરાતથી રોકાણકારોમાં ફેલાયેલી અનિશ્ચિતતા અને ભયના કારણે સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેના પગલે તેની માંગ અને ભાવમાં વધારો થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે રશિયા યુક્રેન વચ્ચે વધતા ભૌગોલિક રાજકીય તણાવ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પણ સોનાના ભાવમાં વધારો કરી રહ્યા છે.
દિલ્હીમાં સોના ચાંદીના ભાવ
ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે (૨ જૂન, ૨૦૨૫) દેશની રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં સોનાનો ભાવ ₹ ૩૩૦ વધીને ₹ ૯૮,૯૩૦ પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. શુક્રવારે ૯૯.૯ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ₹ ૯૮,૬૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો. આ સાથે, ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ₹ ૩૦૦ વધીને ₹ ૯૮,૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામ (બધા કર સહિત) પર બંધ થયો હતો. અગાઉના ટ્રેડિંગ સત્રમાં, તે ₹ ૯૮,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી. ચાંદીનો ભાવ ₹ ૧૦૦ વધીને ₹ ૧,૦૦,૧૦૦ પ્રતિ કિલો (બધા કર સહિત) પર બંધ થયો હતો.
વૈશ્વિક બજાર અને નિષ્ણાતોના મંતવ્યો:
વૈશ્વિક સ્તરે, સ્પોટ ગોલ્ડ $ ૫૯.૨૧ પ્રતિ ઔંસ અથવા ૧.૮૦ ટકા વધીને $ ૩,૩૪૮.૬૧ પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. નિષ્ણાંતોના મતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ ૨૫ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાની યોજના જાહેર કર્યા પછી વધતી અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આ નવી ડ્યુટી ૪ જૂનથી અમલમાં આવશે. મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, રશિયા યુક્રેન વચ્ચે વધતા ભૌગોલિક રાજકીય તણાવ અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ પણ સોનાના ભાવમાં વધારા માટે જવાબદાર છે.
રોકાણકારો યુએસ મે ISM મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) રિપોર્ટ પર નજર રાખી રહ્યા છે, જે દિવસના ઉત્તરાર્ધમાં બહાર પાડવામાં આવશે. કોમોડિટી બજારના નિષ્ણાતોના મતે, વેપારીઓ યુએસ ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલની ટિપ્પણીઓની પણ રાહ જોશે, કારણ કે તેમની ટિપ્પણીઓ ભવિષ્યના નાણાકીય નીતિના દૃષ્ટિકોણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ તમામ પરિબળોને કારણે સોનાના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે.





















