UPS Layoffs 2025: આ લોજિસ્ટિક કંપનીએ 48,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, 93 ઓફિસ કરી બંધ
આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 48,000 કર્મચારીઓની છટણી કરી છે

UPS Jobs Cut 2025: છટણીનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે. હવે, અમેરિકાથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિશ્વની સૌથી મોટી પાર્સલ અને સામાન ડિલિવરી કંપનીઓમાંની એક UPS (યુનાઇટેડ પાર્સલ સર્વિસ) એ આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 48,000 કર્મચારીઓની છટણી કરી છે. કોરોના મહામારી પછી કોઈપણ અમેરિકન કંપની દ્વારા એક વર્ષમાં આ સૌથી મોટી છટણી છે
આટલો કડક નિર્ણય કેમ લેવામાં આવ્યો?
સરળ શબ્દોમાં કહીએ તો કંપની તેના ખર્ચ ઘટાડવા માંગે છે. UPS કહે છે કે તે તેની કામ કરવાની રીતને સંપૂર્ણપણે બદલી રહી છે. CEO કેરોલ ટોમીએ તેને "કંપનીના ઇતિહાસમાં સૌથી મોટો વ્યૂહાત્મક પરિવર્તન" તરીકે વર્ણવ્યું છે. તેમનું લક્ષ્ય UPS ને "ઇતિહાસની સૌથી કાર્યક્ષમ કંપની" બનાવવાનું છે. કંપનીએ આ વર્ષે આ છટણી અને અન્ય ફેરફારો (જેમ કે ઓટોમેશન અને ઓફિસ બંધ) મારફતે 2.2 બિલિયન ડોલરની બચત પણ કરી છે.
કોણે પોતાની નોકરી ગુમાવી?
છટણીએ લગભગ દરેક સ્તરને અસર કરી છે.
ટ્રક ડ્રાઇવરો અને વેરહાઉસ સ્ટાફને સૌથી વધુ અસર થઈ છે.
આ ઉપરાંત અંદાજે 14,000 મેનેજમેન્ટ અને કોર્પોરેટ કર્મચારીઓને પણ છૂટા કરવામાં આવ્યા છે.
વર્ષની શરૂઆતમાં UPS માં આશરે 5,00,000 કર્મચારીઓ હતા, પરંતુ હવે આ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કંપની દબાણ હેઠળ હતી
UPS ને FedEx અને Amazon ના લોજિસ્ટિક્સ નેટવર્ક્સ તરફથી મજબૂત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. 2023ની શરૂઆતથી કંપનીના શેર 25 ટકાથી વધુ ઘટ્યા છે, જે સ્પષ્ટપણે રોકાણકારો અને મેનેજમેન્ટ પર દબાણ લાવી રહ્યું છે.
કંપનીએ આ વર્ષે અત્યાર સુધીમાં 93 સુવિધાઓ બંધ કરી દીધી છે અને 2025ના અંત સુધીમાં વધુ સાઇટ્સ બંધ કરવાની યોજના બનાવી રહી છે. કંપની કહે છે કે આ વર્ષના તહેવારોની સીઝન દરમિયાન પણ તેઓ ઓછા લોકો, ઓછી કિંમતની ફ્લાઇટ્સ અને વાહનો સાથે સંચાલન કરશે.
Amazon એ ફરી કરી છટણીની જાહેરાત
અમેઝોને ફરી એકવાર છટણીની જાહેરાત કરી છે. તેની છટણીની નવી જાહેરાતથી કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ટેક જાયન્ટે પુષ્ટી કરી હતી કે તે આ વર્ષે 14,000 કોર્પોરેટ નોકરીઓ દૂર કરશે, જે તેના 350,000 વ્હાઇટ-કોલર વર્કફોર્સમાંથી લગભગ 4 ટકા છે. આ એઆઈના યુગમાં સંપૂર્ણ પરિવર્તન માટે અમેઝોનની તૈયારીને કારણે છે.
ભારતમાં કેટલા લોકોની જશે નોકરી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેઝોન વૈશ્વિક સ્તરે જે 14,000 લોકોની છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે તેમાંથી ભારતમાં 800-1,000 કોર્પોરેટ કર્મચારીઓને છટણી કરવામાં આવી શકે છે. નોકરીમાં કાપની આ સંખ્યા વધુ વધી શકે છે.





















