UPI charges 2025: શું UPI પેમેન્ટ પર સરકાર ચાર્જ લગાવશે? સંસદમાં નામા રાજ્યમંત્રીએ કર્યો મોટો ખુલાસો
શાકભાજીના સ્ટોલથી લઈને મોટા મોલ સુધી, UPI નો ઉપયોગ સામાન્ય બની ગયો છે. તાજેતરમાં, આ પ્લેટફોર્મ પર ચાર્જ લાગવાની વાતોથી વપરાશકર્તાઓમાં અસમંજસ હતી.

UPI charges 2025 latest update: તાજેતરમાં, UPI પેમેન્ટ પર ચાર્જ લાગુ થવાની અફવાઓ સોશિયલ મીડિયા અને મીડિયામાં ફેલાઈ રહી હતી, જેનાથી લાખો વપરાશકર્તાઓમાં ચિંતાનો માહોલ હતો. પરંતુ, આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા, કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે UPI દ્વારા ચુકવણી કરવા પર કોઈ પણ પ્રકારનો વ્યવહાર ચાર્જ વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ સમાચાર ડિજિટલ ભારત તરફ આગળ વધી રહેલા દેશ માટે મોટી રાહત લઈને આવ્યા છે.
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે UPI પેમેન્ટ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાવવામાં આવશે નહીં. આ નિવેદનથી એ તમામ અફવાઓનો અંત આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર UPI ચાર્જ વિશે ફેલાઈ રહી હતી. સરકારે UPI ને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય વર્ષ 2021-22 થી 2024-25 સુધી ₹8,730 કરોડનું પ્રોત્સાહન આપ્યું છે. આ પ્રોત્સાહનના કારણે UPI વ્યવહારોમાં પણ જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે, જે 2017-18 ના 92 કરોડથી વધીને 2024-25 માં 18,587 કરોડ સુધી પહોંચી ગયા છે.
સરકારની સ્પષ્ટતા અને ઇતિહાસ
સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે UPI વ્યવહારો સંપૂર્ણપણે મફત રહેશે. આ સ્પષ્ટતા પાછળનું કારણ એ છે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ 30 ઓગસ્ટ, 2019 ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં બેંકોને 0.30% સુધી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ બાદમાં, સરકારે આવકવેરા કાયદા 1961 ની કલમ 269SU હેઠળ સ્પષ્ટ કર્યું કે UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતી ચુકવણી પર કોઈ ચાર્જ લાગુ થશે નહીં.
ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન
સરકાર ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે, તેથી તેમણે ઇકોસિસ્ટમ ભાગીદારોને ટેકો આપવા માટે એક ખાસ યોજના પણ શરૂ કરી હતી. નાણાકીય વર્ષ 2021-22 થી 2024-25 દરમિયાન, સરકારે આ માટે લગભગ ₹8,730 કરોડનું પ્રોત્સાહન આપ્યું છે. આનાથી UPI જેવી ડિજિટલ સેવાઓ સરળતાથી અને વિના અવરોધે ચાલુ રહી છે.
UPI ની અદભૂત વૃદ્ધિ:
સરકારના આ પ્રયાસોના પરિણામો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં UPI વ્યવહારોમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાઈ છે.
- 2017-18 માં, કુલ 92 કરોડ UPI વ્યવહારો થયા હતા, જે 2024-25 માં વધીને 18,587 કરોડ થઈ ગયા.
- આ જ સમયગાળામાં, વ્યવહારનું મૂલ્ય ₹1.10 લાખ કરોડથી વધીને ₹261 લાખ કરોડ થયું.
- ખાસ કરીને, જુલાઈ 2025 માં, એક મહિનામાં 1,946.79 કરોડથી વધુ વ્યવહારો નોંધાયા, જે એક નવો રેકોર્ડ છે.




















