Food Inflation : 'રસોડાની રાણી'ઓને મળશે મોટી રાહત, આ 2 વસ્તુના ભાવ ઘટાડશે મોદી સરકાર!!!
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે, ઘઉં અને લોટના છૂટક ભાવમાં વધારો થયો છે અને સરકાર ટૂંક સમયમાં વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે પગલાં લેશે.
Wheat and Floor Prices: મોંઘવારીમાંથી રાહત આપતા સમાચાર સામે આવી રહ્યાં છે. ઘંઉ અને લોટના ભાવમાં ટુંક સમયમાં ઘટાડો થઈ શકે છે. સરકાર ટૂંક સમયમાં જ ઘઉં અને લોટની વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે પગલાં લઈ શકે છે. જેથી મોંઘવારીમાંથી સામાન્ય અને ગરીબ વર્ગને લાભ થઈ શકે છે.
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે, ઘઉં અને લોટના છૂટક ભાવમાં વધારો થયો છે અને સરકાર ટૂંક સમયમાં વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે પગલાં લેશે. તેમણે કહ્યું હતું કે, સરકાર ઘઉં અને લોટના ભાવ પર નિયમિતપણે નજર રાખી રહી છે. તેમણે કહ્યું હતું કે, કિંમતો ઘટાડવા માટે "તમામ વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે".
ખાદ્ય સચિવે શું કહ્યું?
સંજીવ ચોપરાએ કહ્યું હતું કે, ઘઉં અને લોટના ભાવમાં વધારો થયો હોવાની બાબત ધ્યાને આવી છે. અમે આ મુદ્દાને લઈને વાકેફ છીએ. સરકાર દ્વારા વિવિધ વિકલ્પો તપાસવામાં આવી રહ્યાં છે અને ટૂંક સમયમાં અમે અમારી પ્રતિક્રિયા આપીશું. લોટના ભાવ વધીને 38 રૂપિયા પ્રતિ કિલો થઈ જતા વધતા ભાવને અંકુશમાં લેવા માટે ખાદ્ય મંત્રાલય દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે? તેને લઈને તેમણે કહ્યું હતું કે, અમે કિંમતો પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, મંત્રાલય ટૂંક સમયમાં જ આ મામલે પગલાં ભરાશે. જો કે, સંજીવ ચોપરાએ મંત્રાલય દ્વારા લેવામાં આવી રહેલા પગલાં અંગે સ્પષ્ટતા નથી કરી. સચિવે કહ્યું હતું કે, ભારતીય ખાદ્ય નિગમ (FCI)ના ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો પૂરતો સ્ટોક છે.
બજારમાં ઘઉં વેચવાનો વિચાર શક્ય
સ્થાનિક ઉત્પાદનમાં નજીવા ઘટાડા અને કેન્દ્રીય પૂલ માટે એફસીઆઈની પ્રાપ્તિમાં અછતને પગલે કેન્દ્રએ મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું સરકાર ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ કરશે તો તેમણે કહ્યું કે તમામ વિકલ્પો તપાસવામાં આવી રહ્યાં છે.
OMSS નીતિ પર પણ સરકારનો અભિપ્રાય
સૂત્રોએ ગયા મહિને જણાવ્યું હતું કે, વધતી છૂટક કિંમતોને અંકુશમાં લેવા માટે સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ FCI સ્ટોકમાંથી આવતા વર્ષે 1.5-2 મિલિયન ટન ઘઉંના જથ્થાબંધ ઉપભોક્તાઓને મુક્ત કરવા વિચારી રહી છે. OMSS નીતિ હેઠળ, સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI), જે રાજ્ય સંચાલિત ઉપક્રમ છે, તેને સમયસર જથ્થાબંધ ગ્રાહકો અને ખાનગી વેપારીઓને ખુલ્લા બજારમાં પૂર્વ-નિર્ધારિત ભાવે અનાજ, ખાસ કરીને ઘઉં અને ચોખાનું વેચાણ કરવાની મંજૂરી આપે છે. સમય માટે તેનો ઉદ્દેશ પુરવઠાને વેગ આપવાનો અને લીન સિઝન દરમિયાન સામાન્ય ઓપન માર્કેટ ભાવ ઘટાડવાનો છે.
ભારતમાં ઘઉંનું ઉત્પાદન ઘટ્યું
લોટ મિલ માલિકોએ પણ સરકાર પાસે ખુલ્લા બજારમાં અછતને પહોંચી વળવા FCI ગોડાઉનમાંથી ઘઉંનો સ્ટોક દૂર કરવાની માંગ કરી છે. પાક વર્ષ 2021-22 (જુલાઈ-જૂન)માં ભારતનું ઘઉંનું ઉત્પાદન અગાઉના વર્ષના 109.59 મિલિયન ટનથી ઘટીને 106.84 મિલિયન ટન થયું છે. આ વર્ષની ખરીદી પણ ભારે ઘટીને 19 મિલિયન ટન થઈ છે. વર્તમાન રવી (શિયાળુ વાવણી) ઋતુમાં ઘઉંના પાક હેઠળનો વિસ્તાર વધુ છે. ઘઉંના નવા પાકની ખરીદી એપ્રિલ, 2023થી શરૂ થશે.