1 જાન્યુઆરીથી એપથી જમવાનું મંગાવવા પર લાગશે ટેક્સ! શું ઓનલાઈન ફૂડ ડિલિવરી સર્વિસ થશે મોંઘી ? જાણો વિગત
ઘણા સમયથી ફૂડ ડિલિવરી એપની સેવાઓને GST અંતર્ગત લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. જેને 17 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
જો તમે ઓનલાઇન ખાવાનું મંગાવો છો આ તમારા માટે કામના સમાચાર છે. એપથી ફૂડ ઓર્ડર કરનારા લોકોને ખબર હોવી જોઈએ કે કેન્દ્ર સરકાર તરફથી ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. આ નવો નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થઈ રહ્યો છે.
ફૂડ ડિલિવરી એપ ચૂકવવો પડશે 5 ટકા ટેક્સ
કેન્દ્રીય નાણા મંત્રાલયના આદેશ અનુસાર, એપ કંપનીઓને રેસ્ટોરન્ટની જેમ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે. ઘણા સમયથી ફૂડ ડિલિવરી એપની સેવાઓને GST અંતર્ગત લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. જેને 17 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2022થી દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે.
ગ્રાહકો પર શું થશે અસર
કાયદેસર રીતે એપ પર 5 ટકા ટેક્સની સીધી અસર ગ્રાહક પર નહીં પડે, કારણ કે સરકાર આ ટેક્સ ફૂડ ડિલિવરી એપ્સથી વસૂલ કરશે. પરંતુ એવી પણ શક્યતા છે કે ફૂડ ડિલિવરી એપ્સ ગ્રાહક પાસેથી કોઈને કોઈ સ્વરૂપે 5 ટકા ટેક્સ વસૂલ કરશે. આવી સ્થિતિમાં 1 જાન્યુઆરીથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘુ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રેસ્ટોરન્ટને એપમાંથી ફૂડ ઓર્ડર કરવા પર 5% ટેક્સ ચૂકવવો પડતો હતો, જેને હટાવીને એપ પર લાગુ કરવામાં આવ્યો છે. આ ટેક્સ GST હેઠળ રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ રેસ્ટોરાંમાંથી ફૂડ ઓર્ડર કરતી એપ પર લાગુ થશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ તેવી જ રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર લેશે જે GST હેઠળ નોંધાયેલ છે.