Zomato: હવે ટ્રેનમાં તમારી સીટ સુધી ઝમવાનું પહોંચાડશે ઝોમેટો, 100થી વધુ સ્ટેશન પર શરુ કરવામાં આવી સર્વિસ
Zomato Train Food Delivery: ઝોમેટો(Zomato)ની આ સેવા હવે 100 થી વધુ રેલ્વે સ્ટેશનો પર ઉપલબ્ધ થશે, જેની મદદથી તમે મુસાફરી દરમિયાન તમારા મનપસંદ ભોજનનો ઓર્ડર આપી શકશો...
Zomato Train Food Delivery: હવે તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે Zomato પર તમારું મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકશો અને તમને તમારી સીટ પર જ ડિલિવરી મળશે. એપ દ્વારા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ચલાવતી કંપની Zomato એ આ સેવા માટે IRCTC સાથે હાથ મિલાવ્યો છે.
10 લાખથી વધુ ઓર્ડરની ડિલિવરી કરી ચુક્યું છે ઝોમેટો
કંપનીની આ સેવા દેશના ઘણા શહેરોમાં શરૂ થઈ ચૂકી છે. Zomato અનુસાર, તેની ટ્રેન ફૂડ ડિલિવરી સેવા દેશના 88 શહેરોમાં ઉપલબ્ધ છે. આ સેવા દ્વારા, કંપનીએ અત્યાર સુધીમાં દેશના 100 થી વધુ રેલવે સ્ટેશનો પર મુસાફરોને 10 લાખથી વધુ ઓર્ડર પહોંચાડ્યા છે. આ સેવા હેઠળ, રેલ્વે મુસાફરો મુસાફરી દરમિયાન તેમની મનપસંદ ડીશનો ઓર્ડર આપી શકે છે અને તે ડીશ તેમની સીટ પર પહોંચાડવામાં આવશે.
કોચ અથવા સ્ટેશન પરિસરમાંથી ઓર્ડર કરી શકો છો
ઝોમેટોએ આ સેવાને ‘Zomato – Food Delivery in Trains’ નામ આપ્યું છે. કંપનીનું કહેવું છે કે તેની નવી સેવાનો લાભ ટ્રેનમાં મુસાફરી કરતા ગ્રાહકો તેમજ સ્ટેશન પર હાજર ગ્રાહકો લઈ શકશે. મતલબ કે, જો તમે કોઈ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છો અને તમને ભૂખ લાગી છે, તો તમે Zomato દ્વારા ત્યાં તમારું મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકો છો. તમારું મનપસંદ ભોજન આરોગવા માટે તમારે સ્ટેશનની બહાર જવાની જરુર રહેશે નહીં.
Update: @zomato now delivers food directly to your train coach at over 100 railway stations, thanks to our partnership with @IRCTCofficial. We’ve already served 10 lakh orders on trains. Try it on your next journey! pic.twitter.com/gyvawgfLSZ
— Deepinder Goyal (@deepigoyal) September 13, 2024
સીઈઓ ગોયલે આપી લેટેસ્ટ માહિતી
ઝોમેટોના સહ-સ્થાપક અને CEO દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે એક અપડેટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, ઝોમેટો હવે 100 થી વધુ રેલ્વે સ્ટેશનો પર સીધા તમારા ડબ્બામાં ફૂડ ડિલિવરી કરી રહ્યું છે. IRCTC સાથેની અમારી ભાગીદારી બદલ આભાર. અમે પહેલાથી જ ટ્રેનો પર 10 લાખથી વધુ ઓર્ડર પહોંચાડ્યા છે. તમારી આગામી સફરમાં આને ટ્રાઈ કરો!
શુક્રવારે સ્ટોકમાં નોંધાયો હતો ઘટાડો
Zomato તેના વ્યવસાયને વિસ્તારવા માટે સતત નવીન સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. તાજેતરમાં કંપનીએ શેડ્યુલિંગ ઓર્ડરની સુવિધા શરૂ કરી છે. શુક્રવારે Zomatoનો શેર 3.66 ટકા ઘટીને રૂ. 273.50 પર બંધ થયો હતો.
આ પણ વાંચો...