Biparjoy cyclone Live Update: ગુજરાતના દરિયાકાંઠે વધ્યું વાવાઝોડાનું સંકટ, પોરબંદર પર લગાવાયું ચાર નંબરનું ભયસૂચક સિગ્નલ
બિપરજોય વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે.

Background
Biperjoy cyclone Live update: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે.
Biporjoy Latest Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય આગામી 4 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. 15 જૂનની આસપાસ, તે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. હાલમાં, તે ગુજરાતમાં પોરબંદરથી લગભગ 500 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં અરબી સમુદ્રમાં સ્થિત છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય રવિવારે 11 જૂન બપોરે 2.30 વાગ્યાની આસપાસ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. IMD એ 15 જૂન સુધીમાં કચ્છના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે, તે દરિયાકાંઠે અથડાશે તેવી અપેક્ષા નથી. ચક્રવાત પોરબંદરથી લગભગ 200-300 કિમી અને નલિયાથી 200 કિમી દૂર પસાર થવાની સંભાવના છે.
દરિયાકાંઠે અથડાવાની અપેક્ષા નથી
IMDના તાજેતરના અપડેટ મુજબ, ચક્રવાતી તોફાન રવિવારે સવારે 4 વાગ્યે પોરબંદરથી લગભગ 510 કિમી દૂર હતું. જેમ જેમ તે દરિયાકાંઠે પહોંચશે તેમ સિગ્નલ ચેતવણી બદલાશે. હાલની આગાહી મુજબ તે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા નથી. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા માછીમારોને નિયમિત સલાહ મોકલી રહ્યા છે.
માછીમારોને ચેતવણી
'બિપરજોય' ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.
ઉપલેટામાં વાવાઝોડાની અસરથી ભારે પવન ફૂંકાયો
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વાવાઝોડાની અસરને લઈને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે બે વૃક્ષ ધરાશાયી થયા છે. શહેરના વિક્રમ ચોક પાસે આવેલા ખોડીયાર મંદિર સામે વીજળીના તાર પર એક વૃક્ષ ધરાશાયી થયું. વીજળીના બે તાર ભેગા થતાં વિક્રમચોક વિસ્તારના રહીશોના મોટા પ્રમાણમાં ટીવી, પંખા, ફ્રીઝ, એસી બળી ગયા.
સૌરાષ્ટ્ર , કચ્છને વાવાઝોડું હિટ કરે તેવું લાગી રહ્યુ છે - માંડવિયા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે આવ્યા છે. સંભવિત વાવાઝોડા અંગે મનસુખ માંડવિયાએ કલેક્ટર સાથે બેઠક કરીને હાલની સ્થિતી અંગે અધિકારીઓ પાસેથી મેળવી માહિતી. બેઠકમાં DDO સહિતના અધિકારીઓ હાજર રહ્યો. વાવાઝોડા અંગે મનસુખ માંડવિયાએ કહ્યું, ડોક્ટરોની ટીમ પહેલાથી જ તૈયાર રખાઈ છે. સૌરાષ્ટ્ર , કચ્છને વાવાઝોડું હિટ કરે તેવું લાગી રહ્યુ છે, જેથી તાત્કાલિક સારવાર પહોંચાડી શકાય જેની તૈયારી રાખવા માટે સૂચના અપાઈ છે.





















