(Source: ECI/ABP News/ABP Majha)
ACBએ ટ્રેપ કરી મામલતદાર સહિત બે લોકોને 2.60 લાખની લાંચ લેતા ઝડપી લીધા, જાણો ક્યાં કામ માટે માંગી હતી લાંચ
ગાંધીનગર કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ કરી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. ACBની કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગાંધીનગર: ગાંધીનગર કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ કરી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. ACBની કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 2 લાખ 60 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. ઘટના એવી છે કે ફરિયાદીએ મુલસણા ગામની બિનખેતી જમીનની તેઓના ટ્રસ્ટમાં વેચાણની 23 એન્ટ્રી કરાવવા અરજી કરી હતી. જેથી કલોલ મામલતદાર ડૉ. મયંક મહેંદ્ર પટેલે એન્ટ્રી દીઠ 12 હજાર રૂપિયા એટલે કે કુલ 2 લાખ 76 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી.
લાંબી રકઝક બાદ અઢી લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈ- ધરામાં નાયબ મામલતદાર પ્રવિણ મૂળજી પરમારે પણ 10 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. કુલ 2 લાખ 60 હજારમાં ડીલ નક્કી થઈ હતી. ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ છટકું ગોઠવ્યું અને નક્કી થયા મુજબ આજે ફરિયાદી લાંચની રકમ દેવા ઓફિસમાં પહોંચ્યા હતાં. આ સમયે મામલતદાર ડૉ. મયંકે આ રકમ ઈ- ધરાના નાયબ મામલતદાર પ્રવિણ પરમારને આપવા સૂચના આપી હતી. જેથી ફરિયાદી ઈ- ધરા મામલતદાર પાસે પહોંચ્યા જેને આ રકમ ઈ-ધરા શાખામાં કોંટ્રાકટ બેઈઝથી કામ કરતા કોમ્પ્યુયર ઓપરેટર નિખીલ પાટીલને ચૂકવવાની સૂચના આપી.
નિખીલ પાટીલે લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ ટ્રેપ ગોઠવી અને મામલતદાર ડૉ. મયંક પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર નિખીલ પાટીલને રંગેહાથ ઝડપી લીધા. જ્યારે ઈ-ધરાના નાયબ મામલતદાર પ્રવિણ પરમાર એસીબીની ટ્રેપ થતા નાસી છૂટ્યા હતાં. ગાંધીનગર એસીબીની ટ્રેપના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું મધદરિયે મોટું ઓપરેશન
ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પાકિસ્તાનનું વધુ એક ષડયંત્ર નિષ્ફળ કરી દેવામાં આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન કરી અરબ સમુદ્રમાં પાકિસ્તાનથી આવતા હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. 09 ક્રૂ મેમ્બરો સાથે પાકિસ્તાની બોટ અલ હજને જપ્ત કરી લેવામાં આવી છે. પાકિસ્તાનની બોટને વધુ તપાસ માટે જખૌ બંદર લાવવામા આવી રહી છે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડે હેરોઈનના 55 પેકેટ જપ્ત કર્યા છે. જેની અંદાજીત કિંમત 280 કરોડ હોવાની શક્યતા છે અને તે કુલ 56 કિલો છે. જો કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે ભારતીય એજન્સીઓને જોઈને પાકિસ્તાની બોટને પાકિસ્તાન સરહદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાકિસ્તાન બોટને રોકવા માટે મધ દરિયે ગોળીબાર કરવો પડ્યો હતો.