શોધખોળ કરો
ગુજરાતમાં દિવાળીના કેટલા દિવસ પછી પણ નહીં ખૂલે સ્કૂલો ? જાણો શિક્ષણ મંત્રીએ ક્યારે સ્કૂલો ખોલવાની કરી જાહેરાત ?
પ્રથમ તબક્કામાં ધોરણ 9થી 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. આ પછી પ્રાથમિક શાળાઓ અંગે પણ નિર્ણય કરાશે.

ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજો હજુ સુધી નિયમિત રીતે શરૂ થઈ નથી. ત્યારે રાજ્યમાં માર્ચ મહિનાથી બંધ પડેલી શાળાઓ દિવાળી પછી એટલે કે નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કે પછી ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં શરૂ થાય તેવી શક્યતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કરી છે. તેમણે ભૂજ ખાતે શાળાઓ ખુલવાને લઈને શક્યતાઓ વ્યક્ત કરી હતી. ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં ધોરણ 9થી 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. આ પછી પ્રાથમિક શાળાઓ અંગે પણ નિર્ણય કરાશે. ગુજરાત સરકારાના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ શિક્ષણવિદો અને વાલીઓના મંતવ્યો લેવાયા છે. હવે તેના આધારે નિર્ણય લેવાશે. તેમણે જણાવ્યું હતું કે, શાળાઓ શરૂ કરતાં પહેલા અનેક તૈયારીઓ અને જરૂરી ખર્ચા કરવા પડશે. કોરોનાની માર્ગદર્શિકા પ્રમાણે સામાજીક અંતર, હાથ ધોવાની વ્યવસ્થા સ્કૂલોએ કરવાની રહેશે. શરૂઆતમાં સમગ્ર શાળા સંકુલને સેનિટાઈઝ કરાયા બાદ વિદ્યાર્થીઓ માટે રોજબરોજ સેનિટાઈઝરની વ્યવસ્થા સહિતની તમામ બાબતોની તકેદારીના પગલાં લેવાના રહેશે. ઉપરાંત તમામ બાબતો સુનિશ્ચિત કરાયા પછી જ શાળાઓ શરૂ કરાશે. શિક્ષણમંત્રીએ નવી શિક્ષણનીતિ મુદ્દે જણાવ્યું હતું કે, રાજ્યમાં ટાસ્ક ફોર્સની રચનાથી જ નવી શિક્ષણ નીતિના અમલની શરૂઆત થઈ ગઈ છે. નવી નીતિ લાંબાગાળાની હોઇ તબક્કાવાર તેનું અમલીકરણ કરવા સહિતના પગલા ભરાશે.
વધુ વાંચો





















