Gandhinagar: ખરાબ રોડ રસ્તા અંગે કોંન્ટ્રાક્ટરો સામે મુખ્યમંત્રીની લાલ આંખ,જાણો કોને કોને ફટકારવામાં આવ્યો દંડ
ગાંધીનગર: ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ (DLP) દરમિયાન રોડ પર થયેલી ક્ષતિઓની જવાબદારી રોડ કોન્ટ્રાક્ટરની હોવાથી તેમની સામે પણ રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.

ગાંધીનગર: રાજ્યની મહાનગરપાલિકાઓમાં વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે પ્રજાજનોને પડતી હાલાકીને ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશથી રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા નિર્મિત અથવા જાળવણી હેઠળના રોડ-રસ્તાઓમાં ખાડા પડ્યા હશે તેવા, કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી અને નિર્ધારિત સમયમર્યાદામાં સમારકામ પૂર્ણ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક કોન્ટ્રાક્ટરોને દંડ પણ કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ (DLP) હેઠળના કેટલાક મહત્વપૂર્ણ રસ્તાઓ બિસ્માર બનતા સુરત મહાનગરપાલિકા દ્વારા સુનીલ દોમડીયા, કે. કે. બી. પ્રોજેક્ટ્સ પ્રા.લી., એસ. ઝેડ. પટેલ, એ. કે. પટેલ, અંબિકા કન્સ્ટ્રક્શન, ભવાની કન્સ્ટ્રક્શન, જે. એમ. શાહ, એમ. એ. પટેલ તેમજ શ્રીજી કન્સ્ટ્રક્શનને મળીને કુલ ૦૯ રોડ કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત વડોદરા શહેરમાં કેટલાક રસ્તાઓનું પુનઃ નિર્માણ કાર્ય સૂચવ્યા મુજબની ગુણવત્તા ધરાવતું ન હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડી. બી. પટેલ, મે. જે. એન. પી. ઇન્ફ્રા., એ. કે. મેક ઇન્ફ્રા., મે. એસ. કે. મકવાણા એન્ડ કં., મે. રાજ ઇફ્રાસ્ટ્રકચર, મે. શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રો.પ્રા.લિ, મે. શિવમ કન્સ્ટ્રકશન, મે. બિંજલ જે. ગાંધી, મે. ગાયત્રી કન્સ્ટ્રકશન, મે. શ્રી હરી કન્સ્ટ્રકશન, મે. ભાવિન એન્ટરપ્રાઈસ તેમજ મે. હિન્દુસ્તાન ફેબ્રીકેટર્સ સહિતના કુલ ૧૨ રોડ કોન્ટ્રાક્ટરોને નિયમાનુસાર દંડ ફટકારવામાં આવ્યો છે.
ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ (DLP) દરમિયાન રોડ પર થયેલી ક્ષતિઓની જવાબદારી રોડ કોન્ટ્રાક્ટરની હોવાથી તેમની સામે પણ રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. DLP હેઠળના રોડ પર ક્ષતિ અથવા ખાડા પડવાના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પવન કન્સ્ટ્રકશન અને ક્લાસિક કન્સ્ટ્રકશન સહિતના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપીને તેમના પોતાના ખર્ચે રોડ રિસરફેસિંગનું સંપૂર્ણ કામ સત્વરે પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
હજુ પણ રાજ્યમાં વિવિધ કોન્ટ્રાક્ટરો DLP હેઠળના રોડનું નિર્ધારિત સમયમર્યાદામાં સમારકામ પૂર્ણ નહીં કરે અથવા તેમની બેદરકારીના કારણે કોઈ અકસ્માત કે જાનહાનિ થશે, તો તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર પ્રજાની સલામતી અને સુવિધા માટે કટિબદ્ધ છે. બેદરકારી દાખવનાર કોઈપણ કોન્ટ્રાક્ટરને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.





















