કોરોનાના કેસ ઘટતા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, અમદાવાદ અને વડોદરામાંથી પણ રાત્રિ કર્ફ્યૂ હટાવાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની ગાઈડ લાઈનમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ગુજરાત સરકારે આવતીકાલથી અમદાવાદ અને વડોદરામાં નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની ગાઈડ લાઈનમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજ્ય સરકારની હાઈપાવર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી ગાઈડલાઈન અનુસાર, રાજ્યના તમામ શહેરોમાંથી આવતીકાલથી રાત્રિ કરફ્યૂ હટાવી દેવામાં આવ્યો છે. આથી હવે આવતીકાલથી ગુજરાતના એક પણ શહેરમાં રાત્રિ કરફ્યૂ નહીં રહે.
ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે આવતીકાલથી અમદાવાદ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ હટાવાશે. એટલે કે આવતીકાલથી રાજ્યમાં એક શહેરમાં નાઇટ કર્ફ્યૂ રહેશે નહીં. તે સિવાય જાહેર સ્થળોએ 75 ટકાની ક્ષમતા સાથે કાર્યક્રમો યોજી શકાશે. હોલ કે બંધ સ્થળે ક્ષમતા કરતા 50 ટકાની મર્યાદામાં કાર્યક્રમો યોજી શકાશે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 293 નવા કોરોનાના કેસ
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 293 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 2942 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 34 લોકો વેન્ટીલેટર પર છે. 2908 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,08,013 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,919 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 8 લોકોના મોત થયા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 112, વડોદરા કોર્પોરેશનમાં 30, વડોદરા 23, રાજકોટ કોર્પોરેશનમાં 11, સુરતમાં 10, બનાસકાંઠામાં 9, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, મોરબીમાં 8, સુરત કોર્પોરેશનમાં 7, દાહોદમાં છ, મહેસાણામાં છ, પાટણમાં છ, અરવલ્લીમાં પાંચ, ખેડામાં પાંચ, રાજકોટમાં પાંચ, સુરેન્દ્રનગરમાં પાંચ, અમરેલીમાં ચાર, આણંદમાં ચાર, ડાંગમાં ચાર, ગાંધીનગરમાં ચાર, તાપીમાં ચાર, વલસાડમાં ચાર, અમદાવાદમાં ત્રણ, સાબરકાંઠામાં 3, પંચમહાલમાં બે, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન અને નવસારીમાં એક-એક કોરોનાના નવા કેસ નોંધાયા હતા.