Gandhinagar: સાગરકાંઠે વસતા લોકોની કલા અને સંસ્કૃતિને જાણવા સરકાર યોજશે ‘સાગરખેડૂ સાયકલ રેલી’
Gandhinagar: રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ આગામી તા. ૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે
ગાંધીનગર: ગુજરાત સરકારે સાગરપુત્રોની કલા અને સંસ્કૃતિને જાણવા માટે એક અનોખી પહેલ કરી છે. રાજ્યના યુવક-યુવતીઓ સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિને જાણીને તેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે, તેવા ઉમદા આશયથી નવેમ્બર-૨૦૨૪માં ‘સાગરખેડૂ સાયકલ રેલી’નું આયોજન કરવામાં આવશે. આ સાયકલ રેલીમાં સહભાગી થવા માટે રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ આગામી તા. ૩૧મી ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. આ સાયકલ રેલી જામનગર, આણંદ અને વલસાડ જિલ્લામાં યોજાશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીની યાદીમાં જણાવ્યું છે.
એક વ્યક્તિ એક જ જિલ્લાની સાયકલ રેલીમાં ભાગ લઇ શકશે
સાગરખેડૂ સાયકલ રેલીમાં જોડાવવા ઈચ્છુક યુવક-યુવતીઓએ જે તે જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવવાનું રહેશે. આ અરજી ફોર્મમાં દર્શાવેલી તમામ વિગતો ભરીને, તેની સાથે શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરેની તમામ માહિતી અરજી ફોર્મ સાથે જોડીને અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-જામનગર, આણંદ અથવા વલસાડને મોકલી આપવાની રહેશે. એક વ્યક્તિ એક જ જિલ્લાની સાયકલ રેલીમાં ભાગ લઇ શકશે, જેથી અરજી પણ કોઇપણ એક જ જિલ્લામાં મોકલવાની રહેશે.
સમયમર્યાદા બાદ આવેલી અને અધુરી વિગતો વાળી અરજી માન્ય રાખવામાં આવશે નહિ
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા યુવક-યુવતિઓની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ યુવક-યુવતિઓને પસંદગી અંગે ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, સમયમર્યાદા બાદ આવેલી અને અધુરી વિગતો વાળી અરજી માન્ય રાખવામાં આવશે નહિ, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે. નોંધનિય છે કે, આ રેલીના માધ્યમથી લોકોને સાગરપુત્રોની જીવનશેલી વિશે જાણવા મળશે. તેમની સંસ્કૃતિ અને તેમની રહેણીકરણી વિશે પણ લોકો અવગત થશે.
આ પણ વાંચો...