(Source: ECI/ABP News/ABP Majha)
Doctors Protest: કોલકત્તામાં મહિલા ડોક્ટરની હત્યાના પડઘા ગુજરાતમાં પડ્યા, તમામ સરકારી મેડિકલ કોલેજમાં ડોક્ટરોનો વિરોધ
Doctors Protest:તેઓ ઈમરજન્સી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરશે. હડતાળમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ જોડાશે
Doctors Protest Gujarat: કોલકાતામાં મહિલા ડૉકટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા હતા. આજે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજના ઇન્ટર્ન અને સિનિયર અને જૂનિયર રેસિડેન્સ ડોક્ટરો વિરોધ નોંધાવશે. તેઓ ઈમરજન્સી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરશે. હડતાળમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ જોડાશે. અંદાજીત 600 જેટલા રેસિડેન્ટ તબીબો હડતાલમાં જોડાઈ ઘટનાનો સખત વિરોધ કરશે. નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીથી તબીબો અળગા રહેશે.. માત્ર ઈમરજન્સી સેવામાં ફરજ બજાવશે. પરંતુ સામાન્ય સારવાર લેવા માટે આવતા દર્દીઓને હાલાકી પડશે.
બીજી તરફ ગાંધીનગર GMERS મેડિકલ કોલેજે પણ પરિપત્ર જાહેર કર્યો છે. અને વિદ્યાર્થિનીઓ તેમજ મહિલા રેસિડન્ટ ડોક્ટરોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થિનીઓ તેમજ મહિલા રેસિડન્ટ ડોક્ટરોને એકાંતમાં ન રહેતા અન્ય મહિલા સાથે રહેવું અને ફરજ દરમ્યાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા સૂચના આપી છે.પરીચિત વ્યક્તિ સિવાય રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનુ ટાળવું કહેવાયું છે. અને હોસ્ટેલ, કોલેજ કે હોસ્પિટલમાં કોઈ અપિરિચિત વ્યક્તિની શંકાસ્પંદ વ્યક્તિની અવર જવર જણાય તો તાત્કાલિક સક્ષમ અધિકારીને જાણ કરવાની સૂચના આપી છે.
સમગ્ર ગુજરાતમાં 17 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે ડૉક્ટરો હડતાળ પર ઉતરશે. આ દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ મેડિકલ કૉલેજના ડૉક્ટરો નિયમિત કામગીરીથી દૂર રહેશે. જો કે, કટોકટીની સેવાઓ ચાલુ રહેશે અને દર્દીઓને કોઈ અગવડ ન પડે તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. ઇમરજન્સી વિભાગો, ICU અને અત્યંત જરૂરી સેવાઓ યથાવત રહેશે. આ હડતાળથી ઓપીડી સેવાઓ અને નિયમિત ઓપરેશનો પર અસર પડશે, પરંતુ IMAએ ખાતરી આપી છે કે કોઈપણ કટોકટીની સ્થિતિમાં દર્દીઓને યોગ્ય સારવાર મળશે.
આઇએમએ, તમામ આરોગ્ય સેવા સંગઠનો અને ખાનગી ડૉક્ટરોએ 16 ઓગસ્ટ 2024ના રોજ સાંજે છ વાગ્યે ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢવાનો નિર્ણય લીધો છે. પરંતુ તે પહેલાં એસોસિએશન તરફથી આજે રાત્રે આઠ વાગ્યે કટોકટીની બેઠક બોલાવવામાં આવી છે. બેઠક DMA હોલ, દરિયાગંજમાં બોલાવવામાં આવી રહી છે.
એસોસિએશને જણાવ્યું હતું કે આ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ન્યાય અને સુરક્ષા માટે આવશ્યક સ્ટેન્ડ છે. તમારી ભાગીદારી મહત્વપૂર્ણ છે. તેના વિના આપણે અર્થપૂર્ણ પરિવર્તન માટે જરૂરી ગતિ ગુમાવવાનું જોખમ લઈએ છીએ. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશને 16 ઓગસ્ટે ઇન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.