શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાને લઈને બે સંઘ આમને-સામને, જાણો રાજ્ય પરીક્ષા બોર્ડે શું કરી સ્પષ્ટતા?
રાજ્ય શિક્ષક સંઘે દાવો કર્યો છે કે ધોરણ છથી આઠના ભાષા અને સમાજવિજ્ઞાનના 20 હજારથી વધુ શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી છે.
ગાંધીનગરઃ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાને લઈને પ્રાથમિક શિક્ષકના બંન્ને સંઘો આમને સામને આવી ગયા છે. શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કરવા માટે શપથ લીધા છે તો રાજ્ય શિક્ષક સંઘ પરીક્ષાના સમર્થનમાં છે. રાજ્ય શિક્ષક સંઘે દાવો કર્યો છે કે 92 હજાર કરતા પણ વધુ શિક્ષકોએ પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી છે. બે દિવસમાં 60 ટકા હોલ ટિકિટ નીકળી હોવાનો પણ રાજ્ય શિક્ષક સંઘે દાવો કર્યો હતો.
રાજ્ય શિક્ષક સંઘે દાવો કર્યો છે કે ધોરણ છથી આઠના ભાષા અને સમાજવિજ્ઞાનના 20 હજારથી વધુ શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી છે. તો ધોરણ છથી આઠના ગણિત અને વિજ્ઞાનના 11 હજાર 908 શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી છે. એટલુ જ નહી ત્રણ હજાર 950 જેટલા આચાર્યોએ પણ હોલ ટિકિટ ડાઉનલોડ કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાના વિરોધમાં શિક્ષકોના સમર્થનમાં ભાજપના જ ધારાસભ્યો આવ્યા છે. સર્વેક્ષણ ન યોજવા અંગે શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર પણ લખ્યો હતો. શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કરવાના શપથ લીધા હતા.
શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષાને લઈ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો વિરોધ યથાવત છે. શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને પણ મળ્યા હતા અને પરીક્ષાને લઈ રજૂઆત કરી હતી. આ તરફ અલગ અલગ ભાજપના ધારાસભ્યોએ પણ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ન યોજવા અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પત્ર લખ્યો હતો. 24 ઓગસ્ટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત થવાની સાથે જ શિક્ષકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ સર્વેક્ષણનો વિરોધ શરૂ કર્યો હતો અને સર્વેક્ષણના નામે શિક્ષકોની પરીક્ષા યોજવા સામે આક્રોશ વ્યક્ત કરી પરીક્ષા રદ કરવાની માંગણી કરી હતી.