Gandhinagar: આ કાયદાથી ગુજરાતમાં વન નેશન વન જુગાર થશે, સરકાર પર કોંગ્રેસના આકરા પ્રહારો
ગાંધીનગર: ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધાયક 2023 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ 2017 વધુ સુધારવા બાબત વિધેયક ગૃહમાં પસાર થયું છે. રાજ્ય સરકારે GST સુધારા વિધેયક પસાર કર્યું છે.
ગાંધીનગર: ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધાયક 2023 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ 2017 વધુ સુધારવા બાબત વિધેયક ગૃહમાં પસાર થયું છે. રાજ્ય સરકારે GST સુધારા વિધેયક પસાર કર્યું છે. જો કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બિલનો વિરોધ કર્યો હતો. સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે બિલ ઉપર થયેલી ચર્ચાના અંતે ગૃહમાં બિલ પસાર કરવામાં આવ્યું છે.
જીએસટી સુધારા વિધેયકમાં સીજે ચાવડાનુ નિવેદન
GST સુધારા વિધેયક પર ધારાસભ્ય સીજે ચાવડાના સરકાર પર ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું કે, તમારે ધનાનંદના શાશન તરફ જાવું છે કે ચંદ્રગુપ્તના શાસન તરફ? ધનાનંદે પોતાના શાસનમાં લૂટ ચલાવી હતી. ગાંધી, સરદાર, નરેન્દ્રભાઇ અને અમિતભાઈના ગુજરાતમાં જુગારને મંજૂરી ન હોય. નાણામંત્રીએ GST કાઉન્સિલમાં ગુજરાતનો અવાજ રજૂ કરવો જોઈતો હતો. જો અવાજ રજૂ કર્યો હોત તો નરેન્દ્રભાઇ કે અમિતભાઈએ આ સુધારો માન્ય રાખ્યો ના હોત.
મહાભારતમાં કૌરવ અને પાંડવ જુગાર રમતા, જુગાર રમાતો હોય ત્યારે મામા શકુની હોય. જુગારનુ શું પરિણામ આવેલું એ બધાએ જોયુ છે. સતિ દ્રોપદીનું ચીરહરણ થયુ એ સમયે કૃષ્ણ હતા તો લાજ બચી હતી, આજે કોણ લાજ બચાવશે ? ધનાનંદે આવક વધારવા માટે સૈનિકો પાસે બુકાની બાંધી વેપારીઓની લુંટ ચલાવી હતી. તમારે ધનાનંદના શાસન તરફ જવુ છે કે ચંદ્રગુપ્તના શાસન પર એ જણાવો ? આ સુધારો એટલે જુગાર રમો અને રાજ્યનું કર ભરો. ગાંધી અને સરદારના ગુજરાતના નાણામંત્રી તરીકે જીએસટી કાઉન્સિલમાં વિરોધ કરવાની જરૂર હતી. કોંગ્રેસના સત્તર ધારાસભ્યો પણ તમને આપ્યા પણ આ સુધારો ન ચાલે આ કાયદાથી વન નેશન વન જુગાર થશે. વન નેશન વન ઈલેક્શન ચાલશે પરંતુ વન નેશન વન જુગાર નહીં ચાલે. આ સુધારાનો કોંગ્રેસ વતી હું વિરોધ કરૂ છું.
અર્જુન મોઢવાડિયાએ નોંધાવ્યો વિરોધ
વિધાનસભામાં રજૂ થયેલા GST સુધારા વિધેયક પર અર્જુન મોઢવાડિયાએ પણ પ્રહાર સરકાર પર પ્રહાર કર્યા હતા. સરકારે વિધેયકમાં સુધારો કરી જુગારને કાયદેસર કરી નાખ્યો. કેશીનો, જુગાર, લોટરી, ઓનલાઇન ગેમ્બલિંગને મંજૂરી આપી દીધી. ઘોડાની રેસ પર રમતા સટ્ટા પર ટેક્ષ નાખીને સરકારે મંજૂરી આપવાનું કામ કર્યું. હવે સરકારે જ ઉઘરાણા કરવાનું નક્કી કર્યું છે.
ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ નોંધાવ્યો વિરોધ
GST સુધારા વિધેયક અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પણ સરકાર પર કટાક્ષ કર્યો છે. જુગાર, કશીનો, ઓનલાઇન ગેમ્બલીંગ બાબતે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કટાક્ષ કર્યો છે. સરકાર આ બાબતો પર ટેક્સ નાખી મંજૂરી આપે છે. સરકારને રાજ્ય ચલાવવા નાણાં ઘટે છે? જો સરકાર જુગારને મંજૂરી આપી નાણાં કમાવા માગતા હોય તો ધારાસભ્યોના પગાર કાપી લો. ધારાસભ્યોના પગાર સરકાર કાપે પણ જુગારને મંજૂરી ન આપે.