અમદાવાદ શહેરમાં થયો કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં નવા 175 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં શહેરમાં કોરોનાના સૌથી વધુ નવા 175 કેસ નોંધાયા છે

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં શહેરમાં કોરોનાના સૌથી વધુ નવા 175 કેસ નોંધાયા છે. મેથી અત્યાર સુધીમાં 41 દિવસમાં 1 હજાર 91 કેસ આવ્યા છે. હાલ શહેરમાં 761 એક્ટિવ કેસ છે પરંતુ તેમાંથી માત્ર 3 ટકા દર્દીએ દાખલ થવું પડ્યું છે. જ્યારે 97 ટકા દર્દીઓએ ઘરે જ સારવાર લઈને સાજા થયા છે. 10 જૂન સુધી નોંધાયેલા 1 હજાર 91 કેસમાં 325થી વધુને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 3 મહિલાના મૃત્યું થયા છે. હોસ્પિટલમાં સારવાર મેળવનાર કુલ દર્દીમાંથી 96 ટકા વૃદ્ધો, બાળકો અને મહિલાઓ છે. શહેરમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 237,ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 229, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 126, દક્ષિણ ઝોનમાં 82, પૂર્વ ઝોનમાં 43, ઉત્તર ઝોનમાં 30 અને મધ્ય ઝોનમાં 23 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાના 1 હજાર 227 એક્ટિવ કેસ છે અને 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં 3 જૂનમાં 397 એક્ટિવ કેસ હતા. આમ એક સપ્તાહમાં સાડા 3 ગણો વધારો થયો છે. હાલ ગુજરાતમાંથી 761 એક્ટિવ કેસ તો માત્ર અમદાવાદમાં જ છે. રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યું થયું છે. 55 વર્ષીય વૃદ્ધને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. કોવિડ પ્રોટોકોલ અનુસાર સારવાર શરૂ કરાઈ હતી જ્યા તેમનું મૃત્યું થયું હતું.
સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો હતો. રાજકોટમાં કોરોનાથી એક વૃદ્ધનું મોત થયું છે. આ ઉપરાંત નવા નવ કેસ પણ નોંધાયા છે. આ સિવાય જામનગર શહેર અને જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં ચાર કેસ નોંધાયા છે. કચ્છમાં પણ કોરોનાના પાંચ પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં હવે રોજ 9થી10 કેસ સામે આવી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કુલ કેસનો આંકડો 114 પર પહોંચી ગયો છે. જો કે 61 દર્દી સ્વસ્થ પણ થઈ ગયા છે. જ્યારે એક્ટિવ કેસમાં મોટા ભાગના દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તો જામનગરમાં પણ કોરોનાના કુલ કેસનો આંકડો 80 પર પહોંચી ગયો છે. કચ્છમાં મુંદ્રામાં 3, ભૂજમાં 2 કેસ સામે આવ્યા છે. જેમાં 3 સ્ત્રી અને 2 પુરુષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.





















