ગુજરાતનો ડંકો વાગ્યો! માતૃ મૃત્યુ દરમાં 50% અને શિશુ મૃત્યુ દરમાં 57%થી વધુ ઘટાડો, મા અને બાળકના સ્વાસ્થ્ય માટે કર્યું અદ્ભુત કામ
વિશ્વ આરોગ્ય દિવસ: "સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય"ની થીમ પર ગુજરાતની મોટી સિદ્ધિ, માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યમાં દેશભરમાં મોખરે.

World Health Day 2025: 7 એપ્રિલ 2025ના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેની આ વર્ષની થીમ છે "સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય". આ થીમને ગુજરાત સરકારે સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર સ્થાન હાંસલ કર્યું છે. ગુજરાતમાં માતૃ મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને બાળ સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યને બે પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ પણ મળ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત"ના વિઝનને સાકાર કરતાં ગુજરાત સરકારે રાજ્યની દરેક માતા અને બાળકને જીવનની શરૂઆતથી જ ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. વિશ્વ આરોગ્ય દિવસ 2025ની થીમ માતૃ અને નવજાત શિશુના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના અધિકારોને સશક્ત બનાવવાનો અને માતા તેમજ નવજાત શિશુની આરોગ્ય સેવાઓમાં વધુ રોકાણ કરવાનો છે. આ દિશામાં ગુજરાત સરકારે લીધેલા અસરકારક પગલાંઓએ રાજ્યને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન અપાવ્યું છે.
ગુજરાતે માતૃ મૃત્યુ દરમાં 50%નો નોંધપાત્ર ઘટાડો કરીને માતૃત્વને બનાવ્યું સુરક્ષિત
ગુજરાત સરકારે માતૃ સ્વાસ્થ્યને સુધારવા માટે સઘન પ્રયાસો કર્યા છે, જેના પરિણામે માતૃ મૃત્યુ દરમાં 50% જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2011-13માં ગુજરાતનો માતૃ મૃત્યુ દર (MMR) 112 હતો, જે વર્ષ 2020માં જાહેર થયેલા આંકડા અનુસાર ઘટીને 57 થયો છે. રાજ્યમાં દર વર્ષે 14 લાખથી વધુ સગર્ભા મહિલાઓને સમયસર ગુણવત્તાયુક્ત તપાસ, રસીકરણ અને પોષણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક અને સુરક્ષિત સારવાર સુનિશ્ચિત કરવા માટે ગુજરાતે 121 ફર્સ્ટ રેફરલ યુનિટ્સ (FRUs), 153 બ્લડ સ્ટોરેજ યુનિટ્સ અને 20 મૅટરનિટી આઈસીયુની સ્થાપના કરી છે. આ પ્રયત્નોના પરિણામે રાજ્યએ 99.97% સંસ્થાકીય ડિલિવરી દર હાંસલ કરીને રાષ્ટ્રીય સ્તરે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.
HBNC, HBYC અને SNCU કાર્યક્રમોની સકારાત્મક અસર: શિશુ મૃત્યુ દરમાં 57.40%નો નોંધપાત્ર ઘટાડો
રાજ્ય સરકાર ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs)ને અનુરૂપ વર્ષ 2030 સુધીમાં શિશુ મૃત્યુ દરને સિંગલ ડિજિટમાં લાવવા માટે સતત કાર્યરત છે. આ દિશામાં કરેલા પ્રયત્નોના ફળસ્વરૂપે ગુજરાતમાં શિશુ મૃત્યુ દર (IMR) વર્ષ 2005માં 1,000 જીવિત જન્મ દીઠ 54 હતો, જે વર્ષ 2020માં ઘટીને 23 થયો છે, જે 57.40%નો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આ સિદ્ધિમાં હોમ-બેઝ્ડ ન્યુબોર્ન કેર (HBNC) અને હોમ-બેઝ્ડ યંગ ચાઇલ્ડ કેર (HBYC) જેવી મહત્વપૂર્ણ પહેલોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. વધુમાં, SAANS અને સ્ટોપ ડાયેરિયા જેવા અભિયાનો તેમજ નવજાત શિશુની સંભાળ માટે ગુજરાતનું મજબૂત માળખું, જેમાં 58 સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ્સ (SNCU), 138 ન્યુબોર્ન સ્ટેબિલાઇઝેશન યુનિટ (NBSU), અને 1,083 ન્યુબોર્ન કેર કોર્નર (NBCC)નો સમાવેશ થાય છે, તેણે પણ આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
બાળ સ્વાસ્થ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાતને SKOCH એવોર્ડ
ફેબ્રુઆરી 2025માં દિલ્હીમાં યોજાયેલી SKOCH 100 સમિટમાં બાળ સ્વાસ્થ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ગુજરાતને બે ગોલ્ડ SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર રાજ્ય સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે કરવામાં આવેલા સતત પ્રયત્નોનું પરિણામ છે.
શાળાના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ હેલ્થ કાર્ડ
ગુજરાત શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ આપનાર દેશનું એકમાત્ર રાજ્ય છે. અત્યાર સુધીમાં 1.15 કરોડથી વધુ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, જેના દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની નિયમિત તપાસ અને દેખરેખ રાખવામાં આવે છે.
નવજાત શિશુઓની આરોગ્ય તપાસમાં અગ્રેસર
વર્ષ 2019થી 2023 દરમિયાન ગુજરાત નવજાત શિશુઓની આરોગ્ય તપાસ, જન્મજાત વિકૃતિની ઓળખ અને તેમના અસરકારક સંચાલનમાં દેશભરમાં મોખરે રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોના કારણે ગુજરાત માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય ક્ષેત્રે એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. રાજ્ય સરકારનો આ અભિગમ "સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય"ના ધ્યેયને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.





















