હીટવેવથી બચવા રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના સરળ ઉપાયો
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 4 થી 9 એપ્રિલ સુધી ગરમીનો પ્રકોપ, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર.

Gujarat heatwave guidelines: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે. આ કાળઝાળ ગરમીમાં હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નાગરિકોને સાવચેત રહેવા અને હીટવેવથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાહત કમિશનરની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી આ માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિગતવાર જણાવવામાં આવ્યા છે.
ઉનાળામાં હીટવેવ એક સાયલન્ટ ડિઝાસ્ટર સમાન છે, જે માનવજીવન પર ગંભીર અસર કરી શકે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ માર્ગદર્શિકા નાગરિકોને હીટવેવની વિપરીત અસરોથી બચાવવામાં મદદરૂપ થશે.
લૂ અથવા હીટ સ્ટ્રોકથી બચવા માટેના મુખ્ય ઉપાયો:
વારંવાર ઠંડુ પાણી પીવો અને લીંબુ શરબત, છાશ, નારિયેળ પાણી જેવા પ્રવાહીનું સેવન કરો.
બને ત્યાં સુધી તડકામાં ફરવાનું ટાળો અને વધુ પડતો શ્રમ ન કરો.
કામ પર જતી વખતે વચ્ચે છાયડામાં થોડો સમય આરામ કરો.
માથા પર ઠંડુ ભીનું કપડું રાખો અને શ્રમિકો ખુલ્લા શરીરે કામ ન કરે.
ઉપવાસ કરવાનું ટાળો.
ઠંડી જગ્યાઓ જેમ કે મંદિર, મોલ વગેરેમાં જાઓ.
ઘર અને ઓફિસમાં પંખા, કુલર અને એસીનો ઉપયોગ કરો.
સગર્ભા મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોનું ખાસ ધ્યાન રાખો.
બહાર નીકળતી વખતે આખું શરીર ઢંકાય તેવા સફેદ સુતરાઉ કપડાં પહેરો.
ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરો.
બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળો.
બાળકો માટે નાહવાના પાણીમાં કેસુડાના ફૂલ અને લીમડાના પાનનો ઉપયોગ કરો.
બજારનો ખુલ્લો ખોરાક અને બરફ ખાવાનું ટાળો.
ચા, કોફી અને દારૂનું સેવન ટાળો.
ઘરની છત પર સફેદ રંગ અથવા ટાઇલ્સ લગાવો.
લૂ લાગવાના (હીટવેવના) મુખ્ય લક્ષણો:
માથું દુખવું અને પગની પીંડીઓમાં દુખાવો થવો.
શરીરનું તાપમાન વધી જવું.
ખૂબ તરસ લાગવી અને શરીરમાં પાણીની કમી થવી.
તાવ આવવો અને ત્વચા ગરમ અને સૂકી થઈ જવી.
નાડીના ધબકારા વધવા.
ઉલ્ટી, ઉબકા અને ચક્કર આવવા.
બેભાન થઈ જવું અને સુધ-બુધ ગુમાવી દેવી.
ગંભીર કિસ્સામાં ખેંચ આવવી.
જો કોઈ વ્યક્તિમાં હીટવેવના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સને ફોન કરવો જોઈએ. રાજ્ય સરકારની આ માર્ગદર્શિકાનું પાલન કરીને નાગરિકો હીટવેવની ગંભીર અસરોથી પોતાને અને પોતાના પરિવારને બચાવી શકે છે.
ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી હીટવેવનું એલર્ટ
ગુજરાતમાં આગામી છ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 4 એપ્રિલથી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે. આ આગાહીને પગલે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 4 અને 5 એપ્રિલના રોજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ રહેશે. ત્યારબાદ, 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ રહેશે.
7 એપ્રિલના રોજ કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં યલો એલર્ટ રહેશે. 8 એપ્રિલના રોજ પણ કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. તે જ દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.
9 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ફરી એકવાર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને પોરબંદર જિલ્લામાં યલો એલર્ટ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લામાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે.





















