કોરોના કાળમાં ગુજરાતમાંથી પ્રધાનમંત્રી વીમા યોજનામાં કેટલા કરોડના દાવા મંજૂર થયા ? આંકડો જાણીનો ચોંકી જશો
સંસદમાં રજૂ થયેલા આંકડા પ્રમાણે એપ્રિલ 2020 થી જુન 2021 દરમિયાન રાજ્યમાંથી 7020 દાવા કરવામાં આવ્યા હતા. જેના 139.40 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી ગઈ છે અને હાલ રાજ્યના એક પણ જિલ્લામાં દૈનિક બે આંકડામાં કેસ નોંધાતો નહોતો. રાજ્યમાં જ્યારે બીજી લહેર ટોચ પર હતી ત્યારે હોસ્પિટલથી લઈ સ્મશાનમાં લાઈનો લાગી હતી. બીજી લહેર દરમિયાન રાજ્યમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અંતર્ગત 21 ટકા દાવા કરવામાં આવ્યા હતા.
સરકારી વીમા યોજનાનો લાભ લેવામાં આ રાજ્ય મોખરે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, સંસદમાં રજૂ થયેલા આંકડા પ્રમાણે એપ્રિલ 2020 થી જુન 2021 દરમિયાન રાજ્યમાંથી 7020 દાવા કરવામાં આવ્યા હતા. જેના 139.40 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો સૌથી વધુ લાભ ઉત્તર પ્રદેશે લીધો હતો. ભાજપ શાસિત આ રાજ્યમાં 9360 દાવા કરવામાં આવ્યા હતા અને 187.20 કરોડની ચુકવણી કરાઈ હતી. મહારાષ્ટ્રમાંથી 6,411, તેલંગાણામાંથી 6,101 અને કર્ણાટકમાંથી 5493 દાવા કરવામાં આવ્યા હતા.
કેટલા ક્લેમ છે પેન્ડિંગ
ગુજરાતની સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના કન્વીનર એમ એમ બંસલના કહેવા મુજબ, કોવિડ-19ની બીજી લહેર દરમિયાન મૃત્યુદર ઘણો વધારે હતો. આ સમય દરમિયાન ઘણા ક્લેમ ફાઇલ કરવામાં આવ્યા હતા. જે ગુજરાતમાં સરકારી વીમા યોજના પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે. ગુજરાતમાંથી આ યોજના અંતર્ગત બેંક અને પોસ્ટ ઓફિસમાં 250થી વધારે ક્લેમ પેન્ડિંગ છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી-ગુજરાત મુજબ પેન્ડેમિક વર્ષમાં 6.98 લાખ લોકોએ એનરોલમેંટ કરાવ્યું છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 28 કેસ નોંધાયા હતા અને 39 લોકો સાજા થયા હતા. જ્યારે એખ પણ વ્યક્તિનું મોત થયું નહોતું. હાલ રાજ્યમાં 274 એકેટિવ કેસ છે અને તે પૈકી 5 લોકો વેન્ટિલેર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,14,452 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને રિકવરી રેટ 98.75 ટકા છે.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
ભારતમાં ફરીથી કોરોનાના કેસ છેલ્લા બે-ત્રણ દિવસથી વધવાના શરૂ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,509 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 38,465 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં કોરોનાથી કુલ રિકવરી રેટ 97.38 ટકા પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 46 કરોડ 26 લાખ 29 હજારથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.