Gujarat Rain: આ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, જાણો શું છે આગાહી ?
હવામાન વિભાગે આગામી દિવસોમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સપ્તાહમાં પુર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

Gujrat Rain : હવામાન વિભાગે આગામી દિવસોમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સપ્તાહમાં પુર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં 12 ઓગસ્ટ બાદ ફરી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે. કચ્છમાં પણ વધારે વરસાદનું જોર રહે તેવી શક્યતા નથી. એકાદ જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાં ઓગસ્ટમાં સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત,મધ્ય પ્રદેશ, પૂર્વ ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઓગસ્ટમાં કચ્છના કેટલાક વિસ્તારમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસી શકે છે.
ઓગસ્ટના અંતિમ 2 સપ્તાહ સાર્વત્રિક વરસાદની આગાહી
સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં સરેરાશથી વધુ વરસાદ થઇ શકે છે. જામનગર, રાજકોટ,મોરબી, જૂનાગઢમાં સરેરાશથી ઓછો વરસાદ વરસી શકે છે. ઓગસ્ટમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદનું પૂર્વામાન વ્યક્ત કર્યું છે. ટૂંકમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં સરેરાશથી વધુ તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાનું અનુમાન છે. હાલના હવામાનના મોડલને જોતા કહી શકાય કે, ગુજરાતમાં ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદના કોઇ એંઘાણ નથી. હવામાન વિભાગે ઓગસ્ટના અંતિમ 2 સપ્તાહ સાર્વત્રિક સામાન્ય વરસાદની આગાહી કરી છે.
દેશમાં ચોમાસાનો એક ભાગ પસાર થઈ ગયો છે. હવે ભારતીય હવામાન વિભાગે ચોમાસા વિશે નવી આગાહી કરી છે. IMD કહે છે કે ગુજરાત સિવાય બિહાર, કેરળ અને ઉત્તરપૂર્વ ભારત જેવા કેટલાક પ્રાદેશિક અપવાદોને બાદ કરતાં, ચોમાસાની ઋતુના બીજા ભાગમાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) દેશભરમાં 'સામાન્યથી વધુ' વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, ઓગસ્ટમાં વરસાદ 'સામાન્ય' રહેવાની ધારણા છે, જ્યારે સપ્ટેમ્બરમાં 'સામાન્યથી વધુ' રહેવાની શક્યતા છે. આનાથી કુલ વરસાદ લાંબા ગાળાના સરેરાશ (LPA) કરતા 6% વધુ થશે. જૂન-જુલાઈમાં ચોમાસું સામાન્ય કરતા 6.5% વધુ હતું.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે.





















