Meri Mati Mera Desh: સાણંદના કાણેટીમાં યોજાયો ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમ, શહિદ જવાનોના પરિવારનું કરાયું સન્માન
Meri Mati Mera Desh: કાણેટી પ્રાથમિક શાળામાં ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો
Meri Mati Mera Desh: આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે માતૃભૂમિ તેમજ વીર-વીરાંગનાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે દેશભરમાં ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સાણંદના કાણેટી ગામમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાણેટી પ્રાથમિક શાળામાં ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી પાઠવવામાં આવી હતી તથા દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિરૂપે નિર્મિત શિલાનું લોકાર્પણ કરાયું હતું. ગામના વીર શહિદ જવાનોના પરિવારનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો, શાળાના અધિકારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાની તપોભૂમિ વાલેર ખાતે " મેરી માટી, મેરા દેશ" કાર્યક્રમની શાનદાર ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે "મેરી માટી મેરા દેશ" આ બે શબ્દો કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવી લહેર લાવ્યા છે. મંત્રીનું સન્માન નહિ કરો તો ચાલશે પણ શહીદ વિરોના પરિવારજનોનું સન્માન અવશ્ય કરજો.
અગાઉ હર્ષ સંઘવી બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામ પાડણ અને નડાબેટ ખાતે મેરી માટી, મેરા દેશ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ભારત- પાકિસ્તાન સરહદ નજીક આવેલ પાડણ ગામમાં ગૃહ રાજ્ય મંત્રીના આગમન સમયે દીકરીઓએ હાથમાં ત્રિરંગા લઈ ભવ્ય સ્વાગત કરતા આ વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો.
હર્ષ સંઘવીના હસ્તે શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક- શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, BSF ના ડી.આઇ.જી. ભૂપેન્દ્રસિંઘ, અગ્રણીઓ કનુભાઈ વ્યાસ અને ઉમેદદાન ગઢવી, સીમા જાગરણ મંચ ગુજરાતના સભ્યો જીવનભાઈ આહીર, કિશોરભાઈ વ્યાસ, પરસોત્તમભાઈ દેસાઈ, કરસનભાઈ પટેલ સહિત આ વિસ્તારના ગામોના સરપંચ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.