Botad: કાયદાના ધજાગરા, કાર ઉપર બેસીને બંદૂકથી હવામાં ફાયરિંગ કરતો વીડિયો થયો વાયરલ
Botad News: ફાયરિંગ કરતો વીડિયો વાયરલ કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ જગદીશભાઈ ભૂવા પર કડક કાર્યવાહી કરવા અરજીમાં ઉલ્લેખ છે.
Botad News: રાજ્યમાં ફરી એકવાર કાયદાના ધજાગરા ઉડ્યા છે. યુવાનોમાં જાણે કે પોલીસનો કોઈ ડર ન હોય તેમ થોડા ફોલોઅર્સની લાલચમાં અવનવા વીડિયો બનાવી વાયરલ કરતાં હોય છે. આવો જ એક વીડિયો બોટાદમાં વાયરલ થયો છે. બોટાદમાં કાર ઉપર બેસીને બંદૂકથી હવામાં ફાયરિંગ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ પોલીસમાં અરજી કરવામાં આવી છે. લાઠીદડ ગામના જગદીશભાઈ ભૂવા નામના શખ્સે થાર કારપર બેસીને હવામાં ફાયરીંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ કર્યો હતો. જેને લઈ કારીયાણી ગામના જયલુભાઈ રાજભાઈ ખાંચરે એસઓજી પોલીસમા અરજી કરી છે. જેમાં 23 ઓક્ટોબરે વીડિયો વાયરલ કર્યાનો ઉલ્લેખ છે. ઉપરાંત ફાયરિંગ કરતો વીડિયો વાયરલ કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ જગદીશભાઈ ભૂવા પર કડક કાર્યવાહી કરવા અરજીમાં ઉલ્લેખ છે.
સુરતમાં ફરી એકવાર યુવાઓના તમાશાના વીડિયો સામે આવ્યા છે. હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, સુરતમાં વીઆઇપી રૉડ પર કેટલાક યુવાઓ દ્વારા બેફામ રીતે તમાશોકરીને રસ્તો બ્લૉક કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, યુવાઓ દ્વારા કરવામાં આવેલા આ સીનસપાટા સુરતના વેસૂ રૉડ વીઆઇપી રૉડ પરના છે. અહીં કેટલાક યુવાઓ દ્વારા કાર પર સવાર થઇને સીનસપાટા કરવામાં આવી રહ્યાં છે. શહેરના વેસુ VIP રૉડ પર આ તમાશો કરવામાં આવ્યો છે. એક પછી કારની લાંબી લાઇનો લગાવીને યુવાઓ દ્વારા વેસૂ વીઆઇપી રૉડને બ્લૉક કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં આ કાર સ્ટન્ટનો વીડિયો ઉતારીને યુવાઓ દ્વારા વાયરલ પણ કરવામાં આવ્યો છે.
આ કાર સ્ટન્ટ જોઇને લોકો પણ કહી રહ્યાં છે કે આ યુવાઓને પોલીસનો કોઇ ડર નથી રહ્યો. કહેવાઇ રહ્યું છે કે, આ સ્ટન્ટ વીડિયો ગઇકાલે રાતનો જ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના માતાપિતા અને પરિવાર પણ આ પ્રકારના સ્ટંટ માટે એટલા જ જવાબદાર ગણી તેમની સામે પણ કાર્યવાહી કરાશે.