વિસાવદરમાં ચૂંટણી પહેલા તમાશોઃ ગોપાલ ઇટાલિયાએ આપના કાર્યકરોને બે લાખમાં ખરીદવાનો ભાજપ-કોંગ્રેસ પર લાગવ્યો આરોપ
Visavadar bypolls: આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બન્ને ઉપર કાર્યકરોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે

Visavadar bypolls: વિસાવદર પેટા ચૂંટણીને લઇને માહોલ બરાબર ગરમાયો છે. બે દિવસ બાદ એટલે કે 19 જૂન અહીં મતદાન થવાનું છે, આ પહેલા ભાજપ અને કોંગ્રેસ પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મોટા આરોપો લગાવ્યા છે, ગોપાલ ઇટાલિયાએ આપના કાર્યકરોને બે લાખમાં ખરીદવાનો આરોપ લગાવ્યો છે, ગોપાલ આ વાતના પૂરાવા રૂપે એક વીડિયો લઇને ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા વિસાવદર વિધાનસભા બેઠક પર મોટો ચૂંટણી તમાશો શરૂ થયો છે.
ગુજરાતમાં આગામી 19 જૂને કડી અને વિસાવદર બન્ને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે. આ પહેલા વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ રોચક બન્યો છે. હાલમાં જ એક નવો વિવાદ સામે આવતા રાજકારણ ગરમાયુ છે. આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બન્ને ઉપર કાર્યકરોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે. સામે આવેલી માહિતી પ્રમાણે, ગોપાલ ઇટાલિએ એક વીડિયોને સબૂત તરીકે રજૂ કર્યા બાદ ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગોપાલનું કહેવું છે કે, ભાજપ અને કોંગ્રેસ બન્નેએ તેમના કાર્યકરોને વિસાવદરની સાયોના હૉટલમાં ખરીદવાનો પ્રયાસ કર્યો છે, બે લાખ રૂપિયામાં આપ કાર્યકરોને ગોપાલ અને આપની વિરૂદ્ધમાં પ્રચાર કરવા માટે સમગ્ર ષડયંત્ર રચાયુ હોવાના આરોપ લગાવ્યા છે. ગોપાલે વીડિયો સાથે જણાવ્યું કે, આપના વિસાવદર તાલુકા મહામંત્રીને 2 લાખ રૂપિયા આપીને ખરીદવાનો પ્રયાસનો થયો હતો.
AAPના આરોપને કોંગ્રેસે ફગાવ્યા -
બે લાખ રૂપિયામાં આપના નેતાઓને ખરીદવાના ગોપાલ ઇટાલિયાના આરોપ પર કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે, કોંગ્રેસના નેતા વસોયાએ તમામ આરોપોને ફગાવ્યા છે, તેમને કહ્યું કે, ગોપાલ ઈટાલિયા નાટક કરી રહ્યા છે, જે હોટલની વાત થાય છે તેમાં બધી પાર્ટીના નેતા રોકાયા છે. ગોપાલ ઈટાલિયા વાહિયાત વાતો કરી વાતાવરણ ડહોળે છે. કોંગ્રેસ પાસે એટલા રૂપિયા નથી કે કોઈને ખરીદી શકે. જો કોંગ્રેસ હરીફાઈમાંથી જ નથી તો ઉમેદવારને કેમ ખરીદે.
આ પહેલા પાલ આંબલિયાએ ભાજપ-આપ પર કર્યા હતા પ્રહારો -
આ પહેલા વિસાવદરમાં ખેડૂત અને ખાતરને લઇને રાજકીય હૂંસાતૂંસી શરૂ થઇ ગઇ છે. હાલમાં જ પાટીદારો અને ખેડૂતોના ગઢ ગણાતા વિસાવદરમાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ભાજપ અને આપ પર આકરા પ્રહારો કર્યા છે.
વિસાવદર પેટાચૂંટણી જીતવા માટે કોંગ્રેસ, ભાજપ અને આપ ત્રણેય પક્ષોના ઉમેદવારો જબરદસ્ત પ્રચારમાં લાગ્યા છે. એકબીજા પર કટાક્ષો અને શબ્દબાણો છોડી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસે હાલમાં જ ભાજપ અને આપ પર મોટા આરોપો લગાવ્યા છે. વિસાવદરની બેઠક જીતવા કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવતા રાત્રી બેઠકો શરૂ કરી દીધી છે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ વિસાવદર મતવિસ્તારમાં ખેડૂત અને ખાતર મુદ્દે રાદડિયા પર આકરા પ્રહારો કર્યા છે. પાલ આંબલિયાએ આરોપો લગાવતા કહ્યું કે, ખેડૂતોને ખાતર મળતુ નથી, ખેડૂતો વાવેતર કેવી રીતે કરે, ખાતરની સાથે નેનોની થેલી ખેડૂતોને બટકાવામાં આવે છે. જેનાથી ખેડૂતોને કોઇ ફાયદો નથી. વિસાવદરમાં ચોમાસું દેડકા આવ્યા છે. ચૂંટણી આવે એટલે ભાજપ મગરના આંસુ સારે છે. સરકાર માત્રને માત્ર ભ્રામક પ્રચાર કરી રહી છે. પાલ આંબલિયાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે મોટા કૌભાંડ કર્યા છે, કિરીટ પટેલે ફોર્મ ભરતા જ ખોટું બોલવાની શરુઆત કરી દીધી હતી.
આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.
કોંગ્રેસે વિસાવદર બેઠક પરથી નીતિન રાણપરિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ હવે પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 40 જેટલા કોંગ્રેસ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, મુકુલ વાસનિક, જગદીશ ઠાકોર, ગેની ઠાકોર, પરેશ ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જીગ્નેશ મેવાણી, અમીબહેન જ્ઞાનિક, લાલજી દેસાઈ, મધુસુદન મિસ્ત્રી, શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, બળદેવજી ઠાકોર અને લલિત વસોયા સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.





















