Weather Forecast: રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં ફરી થશે માવઠું
ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે
Weather Forecast:રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે,આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. માવઠાની આગાહીને પગલે ગીર સોમનાથમાં કેરી પકવતા ખેડૂતોમાં ચિંતામાં મૂકાયા છે.
આજે મધ્ય ગુજરાતના વડોદરા અને ભરૂચમાં પણ છુટોછવાયો વરસાદ વરસી શકે છે. તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. સુરેન્દ્રનગર અને વલ્લભવિદ્યાનગરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું તો સાત શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો. 15 એપ્રિલથી રાજ્યમાં ફરી કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી.. તો ગાંધીનગરમાં તાપમાનનો 38 ડિગ્રીને પાર પારો પહોંચ્યો છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, શનિવારે ગંગાના પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. વિદર્ભના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વીજળી પડવાની સંભાવના છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ અને મધ્ય પ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે.
સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, રાજસ્થાનમાં આંધી, ધૂળની આંધી અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળશે.
હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, લક્ષદ્વીપમાં વીજળીની સાથે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોસ્ટલ કર્ણાટક જેવા રાજ્યોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દિલ્હી-NCRમાં જોવા મળશે, જેના કારણે મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી નીચે આવી શકે છે. ભારે પવન સાથે દિવસમાં વાતાવરણ વાદળછાયું રહેશે. IMD દ્વારા પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.