PANCHMAHAL : પૂર્વ કલેક્ટર સામે હાલના અધિક કલેક્ટરે નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો
Panchmahal News : પંચમહાલ જિલ્લાના પૂર્વ નિવૃત્ત કલેકટર એસ.કે.લાંગા સામે પંચમહાલ ના જ અધિક કલેકટર દ્વારા ફરીયાદ નોંધાવતા હડકંપ મચી જવા પામ્યો છે.
GODHRA : પંચમહાલ જિલ્લાના પૂર્વ નિવૃત્ત કલેકટર એસ.કે.લાંગા સામે પંચમહાલ ના જ અધિક કલેકટર દ્વારા ફરીયાદ નોંધાવતા હડકંપ મચી જવા પામ્યો છે. સત્તાનો દુર ઉપયોગ કરી પાણીદાર ભૂમાફિયાઓ એવાં બોગસ ખેડૂતોને સાચા ખેડૂત બતાવી આર્થિક લાભ અપાયા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બોગસ ખેડૂતોને બતાવ્યાં સાચા ખેડૂત
પંચમહાલ જિલ્લાના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા વર્ષ 2017-18 સમયગાળા દરમિયાન ગોધરાના બોગસ ખેડૂતોને ખેડૂત તરીકે કાયમ રાખી સરકારી કાર્યવાહીથી બચાવ્યા હોવાની ફરિયાદ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવા પામી છે. ગોધરાના શિલાબેન મંગલાણી, રોહિત લુહાણાં અને ધનવતીબેન ચુનીલાલ ધારશિયાણી દ્વારા હરાજીની જમીન પોતે ખેડૂત હોવાના બોગસ પુરાવા રજૂ કરી મેળવેલ જે બાબતે કલેકટર જાણતાં હોવા છતાં કોઈજ કાર્યવાહી ના કરી તત્કાલિન SDM અને મામલતદાર દ્વારા જે તપાસ ચાલી રહી હતી તે તપાસ પોતાના હાથ મા લઈ બિનખેડૂત ને ખેડૂત હોવા મામલે સમર્થન આપતો રિપોર્ટ કર્યો હતો આમ તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા પિક એન્ડ ચૂસ પદ્ધતિ અપનાવી પોતાની મનસ્વી રીતે ખોટા પરિપત્ર કરી જમીનને સરકાર ખાલસા ન કરે તેમજ સરકારી કાર્યવાહીથી બચાવવા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટું લખાણ કરી બોગસ ખેડૂતોને લાભ થાય તેવી કાર્યવાહી કરી હતી.
અધિક કલેકટરે નોંધાવી પોલીસ ફરિયાદ
સમગ્ર મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે હાલના અધિક કલેકટર એમ.ડી. ચુડાસમાએ લેખિતમાં પોલીસ ફરિયાદ આપતા પોલીસે તત્કાલિન કલેકટર સામે આઇપીસી કલમ 217 અને 218 મુજબ ગુન્હો નોંધ્યો છે. પૂર્વ કલેકટર સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બનવાની સાથે રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે તાત્કાલીન કલેક્ટર એસ. કે. લાંગા પંચમહાલ થી બદલી થઇ ગાંધીનગર કલેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ વય નિવૃત થયા છે
ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ
હાલ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પાણીદાર ભૂ માફીયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આ તરફ સમગ્ર મામલે જીલ્લા અધિક ક્લેક્ટર દ્વારા નોંધવામાં આવેલ ફરીયાદના આધારે ડીવાયએસપી કક્ષાના અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. ત્યારે હવે પોલીસ આ સમગ્ર પ્રકરણમાં સામેલ તત્કાલીન કલેકટર સહિત આ ગુન્હામાં સામેલ જમીન માલિકોના જવાબો લેવા માટેની તેમજ તત્કાલીન કલેકટરની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ત્યારે જોવાનું એ રહે છે કે આટલા મોટા ટોચના અધિકારી જેઓ ને ન્યાય આપવા માટેનો હોદ્દો મળેલ એ પોતે જ અધિકારી નિયમ અને કાયદાને ઘોળી પી ગયા હોય ત્યારે આ કિસ્સામાં ન્યાયિક તપાસ થાય તો અનેક ચોકાવનારી હકીકતો સામે આવી શકે તેમ છે.