માતા-પિતા ચેતજો! 9 મહિનાનું બાળક LED બલ્બ ગળી ગયું, શ્વાસનળીમાં ફસાયેલો બલ્બ તબીબોએ VIDEO બ્રોન્કોસ્કોપી કરી બહાર કાઢ્યો!
૧૯ દિવસ સુધી બાળકના શરીરમાં રહ્યો બલ્બ, રાજકોટની ખાનગી હોસ્પિટલે ૭૦ હજારનો ખર્ચ કીધો, સિવિલમાં વિનામૂલ્યે સફળ સર્જરી; વાલીઓ માટે ચેતવણી.

baby swallows LED bulb: જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક ૯ મહિનાના બાળકના માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રમતાં રમતાં મોબાઈલનો LED બલ્બ ગળી જતાં બાળકની શ્વાસનળીમાં તે ફસાઈ ગયો હતો. ૧૯ દિવસ સુધી બલ્બ બાળકના શરીરમાં રહ્યો અને સતત ઉધરસથી બાળક પીડાતું રહ્યું. આખરે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક બ્રોન્કોસ્કોપી કરી LED બલ્બ બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક ૯ મહિનાના માસૂમ બાળકના જીવ પર જોખમ તોળાઈ રહ્યું હતું, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની કુશળતાને કારણે બાળકને નવજીવન મળ્યું છે. રમતાં રમતાં મોબાઈલનો LED બલ્બ ગળી જતાં તે બાળકની શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો, જેના કારણે બાળક છેલ્લા ૧૯ દિવસથી સતત ઉધરસથી પીડાઈ રહ્યું હતું.
ઘટના અને મુશ્કેલીઓ
જૂનાગઢના જુનેદભાઈ, જેઓ સુથારીકામ કરી ગુજરાન ચલાવે છે, તેમણે જણાવ્યું કે તેમના ૯ માસના પુત્ર મોહમ્મદને છેલ્લા ૧૯ દિવસથી ઉધરસ આવતી હતી. જૂનાગઢમાં બાળરોગ તજજ્ઞને બતાવતા છાતીનો એક્સ રે કરાવવામાં આવ્યો, જેમાં શ્વસનનળીમાં કંઈક ફસાયું હોવાનું માલૂમ પડ્યું. વધુ તપાસ માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોહમ્મદને લઈ જવાયો, જ્યાં ફેફસામાં પિન ચોટી હોવાનું જણાવી સર્જરી માટે ₹ ૭૦,૦૦૦ નો ખર્ચ જણાવવામાં આવ્યો. સામાન્ય પરિવાર માટે આ ખર્ચ પોષાય તેમ ન હોવાથી, જુનેદભાઈ અને તેમનાં પત્ની તબસ્સુમબેન માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આશાનું કિરણ બની.
અમદાવાદ સિવિલમાં સફળ સર્જરી
૩ જૂન, ૨૦૨૫ ના રોજ બાળક મોહમ્મદને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યું. પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી (શ્વાસનળીની તપાસ માટેની પ્રક્રિયા) કરવામાં આવી. આ બ્રોન્કોસ્કોપીની મદદથી, બાળકની જમણી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક એક LED બલ્બ બહાર કાઢવામાં આવ્યો.
બાળકની સ્થિતિ અને તબીબોની સલાહ
ડૉક્ટરોએ જણાવ્યું કે ઓપરેશન પછી બાળકની તબિયત ઝડપથી સુધરી રહી છે અને તે હવે સ્વસ્થ છે. ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ડૉ. રાકેશ જોશીએ ખુલાસો કર્યો કે જ્યારે બાળકને સિવિલમાં લાવવામાં આવ્યું ત્યારે બ્રોન્કોસ્કોપી કરતાં તેના ફેફસામાં પિન જેવું કંઈક દેખાયું, જે સર્જરી પછી મોબાઈલ ફોનનો LED બલ્બ હોવાનું બહાર આવ્યું. વાલીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેમણે બાળકની મોટી બહેનને રમકડાનો મોબાઈલ લઈ આપ્યો હતો, જેનો આ બલ્બ હોઈ શકે.
આ કિસ્સાને ધ્યાનમાં રાખીને, ડૉ. રાકેશ જોશીએ વાલીઓને મહત્વની સલાહ આપતાં કહ્યું કે, બાળકો જ્યાં સુધી પાંચ વર્ષના ન થાય ત્યાં સુધી ગળી શકાય તેવી નાની વસ્તુઓ (જેમ કે બટન, બલ્બ, સિક્કા, રમકડાના નાના ભાગો) તેમની પહોંચથી દૂર રાખવી જોઈએ. ઠંડા પીણાની બોટલમાં પણ જોખમી વસ્તુઓ ભરીને રાખવી ન જોઈએ. આ કિસ્સો બાળકોના માતા પિતા માટે ખરેખર એક ચેતવણીરૂપ ઉદાહરણ પૂરું પાડે છે.





















