મહેશગિરિ બાપુનો હુંકાર: "ગોપાલ ઈટાલિયાને ગામમાં ઘૂસવા ન દેશો!" સાધુ-સંતોને કરી હાકલ
કેજરીવાલ મંદિર જાય છે ત્યારે ઈટાલિયા ધર્મ વિરોધી નિવેદનો કેમ કરે છે? સાધુ સંતોને ગામમાં પ્રવેશ ન દેવા હાકલ.

- જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિ બાપુએ AAP નેતા ગોપાલ ઈટાલિયા પર "ધર્મના નામે ધતિંગ" કરવાનો આરોપ લગાવ્યો.
- મહેશગિરિ બાપુએ ઈટાલિયાના ધર્મ વિરોધી વીડિયો અને ભૂતકાળમાં ધાર્મિક બાબતો પર કરેલી અપમાનજનક ટિપ્પણીઓને આકરા પ્રહારનું કારણ ગણાવી.
- બાપુએ અરવિંદ કેજરીવાલ મંદિર જતા હોવા છતાં ઈટાલિયાના ધર્મ વિરોધી વલણ પર સવાલ ઉઠાવ્યા અને AAP ના મંત્રીઓના ભ્રષ્ટાચારના કેસોનો પણ ઉલ્લેખ કર્યો.
- મહેશગિરિ બાપુએ કથાકારો, ડાયરાના કલાકારો, સાધુ-સંતો અને પૂજારીઓને ગોપાલ ઈટાલિયાનો બહિષ્કાર કરવા અને તેમને ગામમાં પ્રવેશ ન દેવા અપીલ કરી.
Maheshgiri Bapu slams Gopal Italia: જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિ બાપુએ આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ગોપાલ ઈટાલિયા પર ધર્મના નામે ધતિંગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને કથાકારો તથા ડાયરાના કલાકારોને ઈટાલિયાનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. ઈટાલિયાના ધર્મ વિરોધી વીડિયો તેમના ધ્યાને આવતા મહેશગિરિ બાપુએ આ આકરા નિવેદનો આપવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું.
ધર્મ વિરોધી નિવેદનો અને તેના પ્રહાર
મહેશગિરિ બાપુએ જણાવ્યું હતું કે, "હું હાલ બહુ વ્યસ્ત હતો, મારા ધ્યાને ઈટાલિયાનો વીડિયો તાજેતરમાં જ આવ્યો. ઈટાલિયાના ધર્મ વિરોધી વીડિયો જોઈ મારે આ નિવેદન આપવાની ફરજ પડી." તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હાલ ગોપાલ ઈટાલિયા ધર્મના નામે ધતિંગ કરે છે." તેમણે મંદિરના અનેરા મહત્વ પર ભાર મૂક્યો અને ભૂતકાળમાં ગોપાલ ઈટાલિયાએ ધાર્મિક બાબતો અને કથાઓ અંગે કરેલી ટિપ્પણીઓને ઠોસ પહોંચાડનારી ગણાવી હતી.
કેજરીવાલ અને AAP પર પણ નિશાનમહેશગિરિ બાપુએ ગોપાલ ઈટાલિયાના ગુરુજી તરીકે ઓળખાતા અરવિંદ કેજરીવાલને પણ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું, "તારા ગુરુજી કેજરીવાલને પૂછજે હું કોણ છું. તારા ગુરુજી કેજરીવાલ દર
શનિવારે મંદિરે જાય છે." આ નિવેદન દ્વારા તેમણે ઈટાલિયાના ધર્મ વિરોધી વલણ અને તેમના નેતાના ધાર્મિક આચરણ વચ્ચેનો વિરોધાભાસ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં, તેમણે AAP પાર્ટીના અનેક મંત્રીઓ ભ્રષ્ટાચારના મામલે જેલમાં ગયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
બહિષ્કાર અને ગામમાં પ્રવેશબંધીની અપીલ
મહેશગિરિ બાપુએ સાધુ સંતો અને પૂજારીઓને અપીલ કરી છે કે, "ઈટાલિયાને ગામ બહાર કાઢજો" અને "ગામમાં પ્રવેશવા ન દેતા." તેમણે કથાકારો અને ડાયરાના કલાકારોને પણ ઈટાલિયાને ભગાડવા માટે અપીલ કરી, જે દર્શાવે છે કે ધાર્મિક સમાજમાં ઈટાલિયાના નિવેદનો પ્રત્યે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ પ્રહારો બાદ ગોપાલ ઈટાલિયા અને આમ આદમી પાર્ટી તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું.





















