અમદાવાદ પ્લેન ક્રેશ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધનનું ટ્વિટ કર્યા બાદ પરિમલ નથવાણીએ ટ્વીટ ડીલીટ કર્યું
એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ૨૪૨ લોકો સવાર હતા; રૂપાણીના નિધનથી રાજકીય વર્તુળોમાં શોકનો માહોલ.

Ahmedabad plane crash Vijay Rupani: આજે અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ અને રાજકારણી પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
પરિમલ નથવાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, "અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અવસાન વિશે જાણીને દુઃખ થયું. હું તેમને છેલ્લા ઘણા વર્ષોથી વ્યક્તિગત રીતે જાણતો હતો અને તેઓ ખૂબ જ સારા માણસ હતા. તેમની અકાળ વિદાય માટે મારી પાસે શબ્દો નથી. આ શોકના સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન દ્વારકાધીશ તેમને શાશ્વત શાંતિ આપે. ઓમ શાંતિ "
જોકે થોડી જ મિનિટમાં જ પરિમલ નથવાણીએ આ ટ્વીટ ડીલીટ કરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, આજે બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ ૧૭૧ નંબરનું પ્લેન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું હતું. આ પ્લેનમાં ૨૪૨ લોકો સવાર હતા. વિજય રૂપાણી પણ આ ફ્લાઈટમાં પોતાની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા.
Sad to know about the demise of Ex Chief Minister of Gujarat, Shri Vijay Rupani in the tragic Air India #planecrash near #Ahmedabad airport. I knew him personally for last so many years and he was a very good human being. I have no words for his untimely depart. My deepest… pic.twitter.com/q5NEjqtSau
— Parimal Nathwani (@mpparimal) June 12, 2025
રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના નિવાસસ્થાને ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા છે.
ભાજપના નેતાઓ રૂપાણીના નિવાસસ્થાને:
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રૂપાણીના ઘરે પહોંચ્યા હતા, જોકે તેમણે મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી. બીજી તરફ, રૂપાણીના ઘરની બહાર લોકોની ભીડ ઉમટી પડી છે અને તેઓ પૂર્વ મુખ્યમંત્રીની સલામતી માટે મહામૃત્યુંજયના નારા લગાવી રહ્યા છે.
દુર્ઘટનાની વિગતો અને બચાવ કામગીરી:
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રેશ થયેલ એર ઈન્ડિયાના વિમાનમાં ૨૩૨ મુસાફરો અને ૧૦ ક્રૂ સભ્યો હતા. બોઈંગ વિમાન ટેકઓફ થયા પછી તરત જ નીચે ઉતરતું જોવા મળ્યું હતું અને બપોરે ૨ વાગ્યે એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. અકસ્માત પછી તરત જ, સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા, જે ભયાવહ દ્રશ્ય સર્જી રહ્યા હતા.
ઘટનાસ્થળે કટોકટી પ્રતિભાવ ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી અને બચાવ, સ્થળાંતર અને અગ્નિશામક કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે, અને તેમને શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી પોલીસ કમિશનર કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, જાનહાનિ અંગેની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ આગ ઓલવવા માટે ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.
સરકારી પ્રતિભાવ અને એર ઇન્ડિયાનું નિવેદન:
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે ગૃહ પ્રધાન અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને બંનેને તાત્કાલિક અમદાવાદ જવા અને અકસ્માતથી પ્રભાવિત તમામ લોકોને સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે.
એર ઈન્ડિયાએ પણ 'X' (અગાઉ ટ્વિટર) પર સત્તાવાર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઇટ નંબર AI171 આજે, ૧૨ જૂન ૨૦૨૫ ના રોજ ક્રેશ થયું હતું. અમે હાલમાં વિગતો શોધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમારી વેબસાઇટ તેમજ X હેન્ડલ પર વધુ માહિતી શેર કરીશું."




















