કાતિલ ઠંડીને કારણે રાજ્યમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો, છ દિવસમાં 1000 થી વધુ કેસ નોંધાયા
તબીબોના મત શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. જેને લીધે હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થયા છે.
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા દિવસોમાં પડેલ કાતિલ ઠંડીની અસર પણ જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કાતિલ ઠંડીથી હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જાન્યુઆરીના છ દિવસમાં હૃદયરોગની સમસ્યાના એક હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઠંડીને કારણે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
રાજ્યમાં 29 ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી પડી હતી. ઠંડી વધવાની સાથે જ હૃદયની સમસ્યા ધરાવનારાઓની સંખ્યામાં પણ વધારો થયો હતો. ઈમરજન્સી સેવા 108 પાસેની પ્રાપ્ત વિગતો અનુસાર 28 ડિસેમ્બરથી છ જાન્યુઆરી સુધીમાં તેમને હૃદયની સમસ્યા ધરાવતા કુલ એક હજાર 744 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા.
108માં હૃદયસંબંધીત સમસ્યાના ડિસેમ્બર 2020માં ત્રણ હજાર 147, ડિસેમ્બર 2021માં ચાર હજાર 195, 25 ડિસેમ્બર 2021 સુધીમાં પાંચ હજાર 464 કેસ નોંધાયા છે.
આમ શિયાળામાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ તેવી તબીબોની સલાહ છે. તબીબોના મત શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. જેને લીધે હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થયા છે.
ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો
સતત બીજા દિવસે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે રાત્રે રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી વધારે નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. જો કે ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટતા ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે.
રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો નલિયામાં 12.5 ડિગ્રી સાથે સૌથી નીચુ તાપમાન નોંધાયું છે. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો. ભૂજમાં 14.4 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, ડીસામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયુ. ગાંધીનગરમાં 15.2 ડિગ્રી, મહુવામાં 16.1 ડિગ્રી, ભાવનગરમાં 16.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયુ. તો અમરેલી અને અમદાવાદમાં ઠંડીનું તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું.
જ્યારે રાજકોટમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયુ. દ્વારકા અને પોરબંદરમાં ઠંડીનો પારો 18 ડિગ્રી પર પહોંચ્યો. સંધ પ્રદેશ દિવમાં 18.1 ડિગ્રી અને દમણમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયુ. જ્યારે વલસાડમાં 19 ડિગ્રી, ઓખા અને વેરાવળમાં 20.8 ડિગ્રી અને સુરતમાં 21.2 ડિગ્રી તાપમાન નોંધાયુ