Ambalal patel: રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ દેશના કેટલાક ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ દેશના કેટલાક ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદની સ્થિતિ વધુ રહેશે. આ સાથે મધ્ય રાજ્યમાં પૂરની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે
અંબાલાલના આંકલન મુજબ ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે છે અને આ સમયમાં વરસાદ વરસશે. 26 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે. ઉપરાંત 6થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ સમય દરમિયાન મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે. અંબાલાલે નદીના જળસ્તરને ભયજનક સપાટીથી વહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.
આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દાંતામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. પાલનપુરમાં 2 કલાકમાં 2.09 ઈંચ વરસાદ પડ્યો છે. લાખણીમાં 2 કલાકમાં 1.38 ઈંચ, ધાનેરામાં 2 કલાકમાં 1.06 ઈંચ, વડગામમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી દાંતા-પાલનપુરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાલનપુર હાઈવે પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પાલનપુર ગઠામણ પાટીયા પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.





















