ગુજરાત પર ‘શાહીન’ વાવાઝોડાનો ‘ખતરો’, 150 કિમી સુધીની ઝડપે ફૂંકાશે પવન, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ‘શાહીન’ વાવાઝોડાની અસરથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાશે
ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ‘શાહીન’ વાવાઝોડાની અસરથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક ડીપ ડિપ્રેશનના કારણે હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં આગામી 24 કલાક પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, આગામી ત્રણ દિવસમાં 60થી 150 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. આગામી 24 કલાક ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ એનડીઆરએફની ટીમોને એલર્ટ રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે , આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કોસ્ટલ 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. કાલે 90ની ગતિના પવન ફૂંકાશે. માછીમારોને આગામી 4 દિવસ માટે દરિયો ના ખેડવા સૂચના અપાઇ છે.
રાજ્યમાં મેઘ તાંડવની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે રાજ્યમાં NDRF ની 20 ટીમો તૈનાત કરાઇ છે. સૌરાષ્ટ્રમાં 8 ટીમો મોકલાય છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ માં NDRF ટીમો તૈનાત કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં પણ બારે મેઘખાંગા થયાની સ્થિતિ સર્જાય છે. દક્ષિણ ગુજરામાં NDRF 3 ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે. સુરત, વલસાડ અને નવસારી માં NDRFની ટીમને એલર્ટ મોડ પર રખાઇ છે. પાટણ અને ખેડા માં પણ NDRF ની 1-1 ટીમને તૈનાત કરાઇ છે. તો ગાંધીનગર અને વડોદરા NDRF ની 3-3 ટી રિઝર્વ રખાઇ છે.
વાવાઝોડાને પગલે કચ્છનાં દરિયાકાંઠે એલર્ટ. જખૌના દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને પરત બોલાવાઈ. 362 જેટલી બોટ પરત આવી ગઈ,હજી પણ 200 બોટ દરિયામાં. દરિયામાં રહેલી બોટ કાલે સવાર સુધીમાં પરત આવી જશે.