Banaskantha: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, ડીસામાંથી 9.50 લાખ રૂપિયાના શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો
Banaskantha: પાલનપુરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસાની બે પેઢીઓ પર દરોડા પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો
Banaskantha: પાલનપુરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસાની બે પેઢીઓ પર દરોડા પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે માહિતીના આધારે ડીસાના પી.એન. ઈન્ડ્સ્ટ્રીઝ પાર્ક ખાતે પદમનાથ ફૂડ પ્રોડક્ટસમાં દરોડા પાડ્યા હતા જ્યાં પેઢીના માલિક લોમેશ લીંબુવાલાની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. આ સમયે શંકાસ્પદ લાગતો ઘીનું પ્રાથમિક પરીક્ષણ કર્યું હતું જ્યાં ઘીમાં ભેળસેળ હોવાની શંકા જતા સ્થળ પરથી 1 લાખ 62 હજારની કિંમતનો 450 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો.
બાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસાની જ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ કરાતા શંકાસ્પદ ઘી અને એડલટ્રન્ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવ્યું હતું. પેઢીના માલિક દિનેશભાઈ ઠક્કરની હાજરીમાં શંકાસ્પદ ઘીના પાંચ નમૂના લેવાયા પણ ભેળસેળ જણાતા સાડા પાંચ લાખની કિંમતનો 1350 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે કુલ સાડા નવ લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી પરીક્ષણમાં લેબમાં મોકલાયા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને ૯.૫૦ લાખ રૂપિયાની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્ટનો વનસ્પતિ ઘી આશરે ૩૨૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરાયો છે.વધુમાં કોશિયાએ જણાવ્યું હતું કે પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી માહિતી મળી હતી અને તેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
અગાઉ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહેસાણામાં દરોડા પાડીને નકલી જીરુંનો 25 ટન જથ્થો અને રો મટિરિયલ મળી કુલ 31 ટન જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે એકદમ સસ્તા ભાવની વરિયાળીને જીરુંનો આકાર આપીને નકલી જીરું બનાવવામાં આવતું હતું. બાદમાં આ નકલી જીરુંના જથ્થાને ગુજરાત બહાર દિલ્હીના વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો. હાલમાં પોલીસે નકલી જીરુંનો માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.