નલિયા સામૂહિક દુષ્કર્મ કેસ: કોર્ટનો મોટો ચુકાદો, તમામ ૮ આરોપીઓ નિર્દોષ જાહેર
ભુજ સેશન્સ કોર્ટે ૨૦૧૭ના ચકચારી કેસમાં આપ્યો ચુકાદો, ફરિયાદીના હોસ્ટાઇલ થવાથી આરોપીઓ છૂટ્યા

Naliya gang rape case verdict: ભુજ સેશન્સ કોર્ટે ગુરુવારે ૨૦૧૭ના હાઈ-પ્રોફાઈલ નલિયા ગેંગ રેપ કેસમાં મોટો ચુકાદો આપતા તમામ આઠ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં ૨૪ વર્ષીય ફરિયાદીએ ભાજપના ચાર સભ્યો સહિત ૧૦ લોકો પર ગેંગરેપ અને બળજબરીથી વેશ્યાવૃત્તિ કરાવવાનો આરોપ મૂક્યો હતો.
કેસની શરૂઆતમાં ફરિયાદીએ શાંતિલાલ સોલંકી, ગોવિંદ પારુમલાણી, વસંત ભાનુશાલી, અજીત રામવાણી અને અન્ય લોકો પર સામૂહિક બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જો કે, ટ્રાયલ દરમિયાન ફરિયાદી પોતાના નિવેદનથી ફરી ગઈ હતી. ૨૦૨૨માં તેણીએ ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે એક આરોપી, ભાનુશાળીએ તેના પર હુમલો કર્યો ન હતો. આ ઉપરાંત, ટ્રાયલ દરમિયાન તેણીએ અગાઉના દાવાઓને સમર્થન આપવાનો પણ ઇનકાર કર્યો હતો, જેના કારણે કેસ નબળો પડ્યો હતો.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. SITએ પીડિતાની ફરિયાદના આધારે સોલંકી, પારુમલાણી, ભાનુશાલી, રામવાણી અને અન્ય સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપીઓના મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર જપ્ત કર્યા હતા.
ફરિયાદીએ પોતાની FIRમાં આરોપ મૂક્યો હતો કે આરોપીઓએ તેણી પર વારંવાર બળાત્કાર કર્યો હતો અને સેક્સ રેકેટમાં બ્લેકમેલ કરી હતી. તેણીએ દાવો કર્યો હતો કે સોલંકીએ તેણીને તેની એલપીજી વિતરણ એજન્સીમાં નોકરીની ઓફર આપીને લલચાવી હતી અને બાદમાં તેના સાગરિતો સાથે મળીને દારૂ પીવડાવીને હુમલો કર્યો હતો. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ઘટનાનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ તેણીને જાતીય સેવાઓ આપવા માટે દબાણ કરવા માટે કરવામાં આવ્યો હતો. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે આ રેકેટમાં લગભગ ૬૫ લોકો સંડોવાયેલા હતા અને ૩૫થી વધુ મહિલાઓ આવી જ રીતે ફસાઈ હતી. આ કેસને કારણે ગુજરાત અને સમગ્ર ભારતમાં ભારે વિરોધ થયો હતો. મહિલા અધિકાર સંગઠનોએ તપાસ પર ચિંતા વ્યક્ત કરી હતી. ભાજપે તેના સંડોવાયેલા સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા અને આ કેસમાં સંડોવણીનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો...
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ





















