Biporjoy: સુરતમાં વાતાવરણ પલટાયુ, ઠેર-ઠેર વરસાદી ઝાંપટા, અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ
ગુજરાતના દરિયાકાંઠા બિપરજૉય વાવાઝોડુ વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ચક્રવાત બિપરજૉયને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામા આવ્યુ છે.
Biporjoy: ગુજરાતના દરિયાકાંઠા બિપરજૉય વાવાઝોડુ વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ચક્રવાત બિપરજૉયને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામા આવ્યુ છે. હવે આશંકા છે કે અરબી સમુદ્રમાંથી આવતું આ બિપરજૉય ગુજરાતને ઘમરોળી શકે છે. પરંતુ હવે આની અસર શરૂ થઇ ગઇ છે. બિપરજૉયના કારણે હવે સુરતમાં અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, બિપરજૉયની ખતરનાક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે (13 જૂન) વાવાઝોડા બિપરજૉયની તૈયારીઓની સમીક્ષા બેઠક પણ યોજી હતી.
બિપરજૉયના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, અને સાથે સાથે હવે સુરતમાં આની વધુ ગંભીર અસર જોવા મળી રહી છે. સુરતમાં વાતાવરણ બદલાયુ છે, આ કારણે શહેરના ઉધના, પાંડેસરા, અઠવાગેટ, મજુરાગેટ, પીપલોદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા શરૂ થઇ ગયા છે. એટલુ જ નહીં કેટલાય વિસ્તારોમાં હાલમાં વીજળી ડુલ પણ થઇ ગઇ છે. વરસાદથી લોકોને બફારા અને ઉકળાટથી મળી રાહત છે. શહેરમાં હજુ પણ વાતાવરણ વાદળછાંયુ છે.
વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે કચ્છ અને દ્વારકામાં, જ્યારે ગુરુવારે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે 16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઇને હવામાન વિભાગે પણ આગાહી છે. પોરબંદર, દ્વારકા, કચ્છ,બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી
આ સિવાય ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ
પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. બખરલા,બગવદર,મઢવાડા,મજાવાણા,સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સોમવારથી સતત વરસાદી માહોલથી ખેતરો છે. દેવકા નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના તળાવો અને ચેકડેમ પણ છલકાયા છે.