અમરેલી જિલ્લાના અત્યંત બિસ્માર રસ્તાઓને લઈ BJP નેતા હિરેન હીરપરાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
અમરેલી જિલ્લાના રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે. ખાસ કરીને સાવરકુંડલાથી નેસડી સુધીનો સ્ટેટ હાઈવે છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે.

અમરેલી: અમરેલી જિલ્લાના રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે. ખાસ કરીને સાવરકુંડલાથી નેસડી સુધીનો સ્ટેટ હાઈવે છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. માત્ર સાત કિલોમીટરના આ રસ્તામાં મોટા-મોટા ખાડા હોવાથી વાહનચાલકો માટે મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. હાઇવે પર આવેલા આ ખાડાઓને કારણે રોજબરોજ અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. વાહનચાલકોના વાહનોમાં વારંવાર મેન્ટેનન્સ કરાવવાની ફરજ પડતી હોવાથી આર્થિક બોજ પણ વધતો જાય છે. અમરેલીના ખરાબ રસ્તાઓને લઈ ભાજપ નેતા હિરેન હીરપરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
સ્થાનિક અધિકારીઓના પાપનો પર્દાફાશ કર્યો
ભાજપ નેતા હિરેન હીરપરાએ સ્થાનિક અધિકારીઓના પાપનો પર્દાફાશ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અમરેલી જિલ્લામાં રેતીની કાયદેસર લીઝ ઉપલબ્ધ ન હોવા છતાં એકપણ સરકારી બાંધકામ અટક્યું નથી. બહારથી રેતીની લીઝના પાસ દર્શાવી ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવે છે અને આ સમગ્ર પ્રકરણ એક મોટું કોંભાડ કરતા હોવાના આક્ષેપો હિરપરાએ લગાવ્યા છે.

રસ્તાઓ વહેલી તકે સારા બનાવવામાં આવે
આ સાથે જ તમેણે ડામર રોડ કે રી-કાર્પેટ રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ રહ્યો હોવાની પણ વાત પણ પત્રમાં કરી છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કાળી કમાણી કરીને પ્રજાને રોડ રસ્તાઓ બાબતે કાયમી પરેશાન કરતા હોવાના આક્ષેપો ભાજપના જ નેતા હિરેન હિરપરાએ લગાવ્યા છે. નેસડી સાવરકુંડલાનો સાત કિલોમીટરના વિસ્તારમાં બનેલો રસ્તો વહેલી તકે સારો બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે.
સાવરકુંડલા-નેસડી હાઇવે પર દરરોજ અનેક વાહનો અવરજવર કરે છે. આ માર્ગ રાજુલા, સાવરકુંડલા, ચલાલા, બગસરા, જેતપુર, દ્વારકા જેવા માર્ગોને પણ જોડે છે એટલે આ હાઇવે માત્ર સાવરકુંડલા સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર વિસ્તારના લોકો માટે એક જીવનરેખા સમાન છે. પરંતુ હાલની ખરાબ સ્થિતિને કારણે લોકો હાલકીનો સામનો કરાવો પડે છે.
ખરાબ રસ્તાને લઈ વાહન અકસ્માતોની થવાની સંભાવના
સ્થાનિક લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ હાઇવેનું તાત્કાલિક સમારકામ થાય, વહેલી તકે રોડ રીપેરીંગ અને રી-કાર્પેટિંગ કરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થતાં ખાડાઓ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. પરિણામે વાહન અકસ્માતોની થવાની સંભાવના વધારે રહે છે અને લોકોના જીવને જોખમ વધે છે.
અમરેલી જિલ્લાના ચલાલા બગસરા રોડ, સાવરકુંડલા નેસડી રોડ, રાજુલા સાવરકુંડલા રોડ, અમરેલી સાવરકુંડલા રોડ, ધારી જૂનાગઢ રોડની સ્થિતિ અત્યંત બિસ્માર હાલતમા હોવાની ભાજપના નેતા હીરપરાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તાત્કાલિક રસ્તા સારા બનાવવામાં આવે તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રીને પત્ર લખી કરવામાં આવેલી આ રજૂઆત કેટલી સાર્થક નીવડશે તે આવનારો સમય બતાવશે.





















