ગુજરાતના રાજકારણમાં ધમાસાણ: ‘ચૂંટણી હારીશ તો 2 કરોડ આપીશ!’ કાંતી અમૃતિયાની ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ફેંક્યો ખુલ્લો પડકાર, સામે ગોપાલ ઇટાલિયાનો પણ તાત્કાલિક જવાબ: "12 તારીખ બપોર પહેલા રાજીનામું આપો!"

- ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને ₹2 કરોડની શરત સાથે મોરબીમાંથી ચૂંટણી લડવાનો ખુલ્લો પડકાર ફેંક્યો.
- ગોપાલ ઇટાલિયાએ પડકાર હસતા મોઢે સ્વીકારી લીધો અને શરત મૂકી કે કાંતિ અમૃતિયા 12 તારીખે ધારાસભ્ય પદેથી રાજીનામું આપે.
- રાજકીય ટકરાવની વાત ગામથી રાજ્યો સુધી ફેલાઈ, મોરબીની જનતા પણ ચર્ચામાં આવતી ગઈ.
- ઇટાલિયાએ કહ્યું કે મોરબીની જનતા હવે જાગૃત બની છે અને તકલીફો સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે.
- આમ, મોરબીના સ્થાનિક મુદ્દાઓ અને રાજકીય પડકારોના સંઘર્ષ વચ્ચે યુદ્ધજીવતા દર્શાવતું રાજકારણ વધુ ગરમાયું છે.
Kanti Amrutia challenge Gopal Italia: હાલ ગુજરાતના રાજકારણમાં ભલે કોઈ ચૂંટણીનો માહોલ ન હોય, પણ ચેલેન્જ નું રાજકારણ જોરદાર ચર્ચામાં છે ને ગામ આખું એની જ વાતું કરે છે. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. અમૃતિયાએ કહી દીધું કે, "જો ઇટાલિયામાં હિમ્મત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઈશ, તો ₹2 કરોડ આપીશ!" આ વાત આમૃતિયાએ કરી ને આખા રાજ્યમાં વાયુવેગે ફેલાઈ ગઈ.
ઇટાલિયાએ પડકાર ઝીલ્યો ને વીડિયો બનાવ્યો
કાંતિ અમૃતિયાની આ પડકારભરી વાતને ગોપાલ ઇટાલિયાએ પણ હસતા મોઢે સ્વીકારી લીધી છે. ઇટાલિયાએ તરત જ એક વીડિયો બનાવીને સામે પડકાર ફેંક્યો. તેણે કહી દીધું કે, "હું તમારી ચેલેન્જ સહર્ષ સ્વીકારું છું, પણ મારી એક શરત છે! 12 તારીખે બપોર પહેલાં તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દો!" આમ, આ રાજકીય નાટક હવે ગરમાયું છે ને લોકોમાં કુતૂહલ જાગ્યું છે કે આગળ શું થશે.
મોરબીની જનતા જાગૃત થઈ, એટલે પેટમાં તેલ રેડાયું
ગોપાલ ઇટાલિયાએ પોતાની વાતમાં ઉમેર્યું કે મોરબીની જનતા હવે જાગૃત થઈ ગઈ છે, એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં તેલ રેડાયું છે. ઇટાલિયાના કહેવા મુજબ, અત્યાર સુધી મોરબીની જનતા બધી તકલીફો સહન કરી લેતી હતી, એટલે કોઈને વાંધો નહોતો. પણ હવે જ્યારે લોકો સોસાયટીમાં ભરાતા પાણીના મુદ્દે, રસ્તાઓ અને ખાડાના મુદ્દે અવાજ ઉઠાવે છે, ત્યારે એ વાત અમૃતિયાને ગમતી નથી. ઇટાલિયાએ સીધેસીધું કહી દીધું કે, "મોરબીના ભાજપના ધારાસભ્ય એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા મોરબી ચૂંટણી લડવા આવે, તો હું તેમની આ ચેલેન્જ સહર્ષ સ્વીકારું છું. તમે બસ 12 તારીખ બપોર સુધીમાં રાજીનામું આપી દો!"





















