Gujarat Election 2022: ભાજપ આવતી કાલે જાહેર કરશે સંકલ્પપત્ર, મતદાતાને રિઝવવા ખાસ આ મુદાનો થઇ શકે છે સમાવેશ
વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે તેનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે તો આમ આદમી પાર્ટીએ 300 યુનિટ વીજળી ફ્રી સહિતના કેટલાક વચન આપ્યાં છે. તો ભાજપ આવતી કાલે સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે.
Gujarat Election 2022:વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્રણેય પાર્ટી ગુજરાત પર સતા મેળવવા માટે જંગ લડી રહી છે.કોંગ્રેસે તેનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે તો આમ આદમી પાર્ટીએ 300 યુનિટ વીજળી ફ્રી સહિતના કેટલાક વચન આપ્યાં છે. તો ભાજપ આવતી કાલે સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે.
વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ત્રિપાંખિયો જંગ જામતા મુકાબલો રસપ્રદ બન્યો છે. મતદાતાને રિઝવવા માટે જુની પેન્શન યોજના શરૂ કરવા સહિતના કોગ્રેસે સંકલ્પપત્રમાં વચન આપ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ આવતી કાલે ભાજપ સંક્લ્પ પત્ર જાહેર કરશે.
ઉલ્લેખનિય છે કે સંકલ્પપત્રમાં ભાજપ આ વખતે અગ્રસેર શબ્દોનો ખાસ ઉપયોગ કરશે. જેમાં ખેતી અગ્રેસર, અર્થતંત્ર અગ્રેસરએ ભાજપનો સંકલ્પ હશે. રોજગારી અને રોકાણને ભાજપના મેનિફેસ્ટોમાં સ્થાન અપાયું છે તો પ્રાથમિક સુવિધા, મહિલાઓની સુરક્ષા એ ભાજપના મેનિફેસ્ટોનો ખાસ મુદ્દો હશે. શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓને ભાજપના મેનિફેસ્ટોમાં સ્થાન આપવામાં આવ્યું છે.ઉપરાંત ગ્રામીણ વિકાસ પણ સંકલ્પ પત્રનો મુખ્ય મુદો હશે.
ઉલ્લેખનિય છે કે 2017માં ભાજપે મતદાનના થોડા કલાક પહેલા જ વિધિવત સંકલ્પપત્ર જાહેર કર્યો હતો.ગુજરાતના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવોએ વિધાનસભાની ચૂંટણી 2017ને લઇ ભાજપનો સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. જેમાં સુરત-વડોદરામાં મેટ્રો ટ્રેન સેવા, મોટા શહેરોમાં એરકન્ડીશન્ડ બસ સેવા, કૃષિ આવક બમણી કરવા, ગૌહત્યાના કાયદાનું અસરકારક અમલીકરણ, 2022 સુધીમાં વેકટર-બોર્ન રોગ મુકત ગુજરાત સહિતના નવા વિકાસના સંકલ્પ અને ગુજરાતની જનતા માટે લોકકલ્યાણના કાર્યો અને આયોજનની જાહેરાત કરવામાં આવી હતી. એક રીતે જોવા જઇએ તો, ભાજપે પોતાના સંકલ્પપત્રમાં વિકાસનું તેનું વીઝન રિપીટ કર્યું હતું. ભાજપના સંકલ્પપત્રના વિમોચન પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, ભારત સહિત સમગ્ર વિશ્વ જયારે મંદીના માહોલ ગરકાવમાં થયેલું હતું, ત્યારે તેવા સમયે સમગ્ર વિશ્વમાં એક માત્ર ગુજરાત રાજયએ10 ટકાના ગ્રોથ રેટથી તેનો વિકાસ દર જાળવી રાખ્યો હતો અને સફળતાભરી પ્રગતિ કર્યે રાખી હતી. દેશભરમાં ગુજરાત એક જ માત્ર એવું રાજય હતું, જે ડબલ ડીઝીટમાં એટલે કે, 10 ટકાના ગ્રોથ રેટ પર વિકાસના પંથે આગળ ધપ્યુ હતું. એ પછી બીજા નંબરે મધ્યપ્રદેશનો ગ્રોથ રેટ 8.1 ટકા હતો, એ સમયે ચીન 6.5 ટકાના વિકાસદર પર આવી ગયુ હતું. આમ, ગુજરાતના વિકાસ સામે સવાલો ઉઠાવતાં લોકોએ તેના ગ્રોથ રેટની ગતિ જોઇને સમગ્ર મામલાની ગંભીરતા સમજી લેવી પડશે એમ કહી અરૂણ જેટલીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.