'જલ જીવન મિશન' અંતર્ગત કેંદ્ર સરકાર દ્વારા ગુજરાતને 3,411 કરોડની ફાળવણી
ભારત સરકારના જળ મંત્રાલયની 'નેશનલ જલ જીવન મિશન' હેઠળની યોજનાના ભાગરૂપે કેન્દ્ર સરકારે વર્ષ-2021-22 માટે ગુજરાત સરકારને 3410.61 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ પૈકીની રૂ. 852.65 કરોડની રકમ રાજ્ય સરકારને આપી પણ દેવાઈ છે.
ભારત સરકારના જળ મંત્રાલયની 'નેશનલ જલ જીવન મિશન' હેઠળની યોજનાના ભાગરૂપે કેન્દ્ર સરકારે વર્ષ-2021-22 માટે ગુજરાત સરકારને 3410.61 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ પૈકીની રૂ. 852.65 કરોડની રકમ રાજ્ય સરકારને આપી પણ દેવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2019-20 માટે આ યોજના અંતર્ગત માત્ર રૂ. 390.31 કરોડની ફાળવણી થઇ હતી, જે વર્ષ-2020-21માં વધારીને રૂ.883.08 કરોડ જેટલી કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય જળસંસાધન મંત્રીશ્રી ગજેન્દ્રસિંહે ગુજરાત માટે ચાલુ વર્ષે આ અભિયાન અંતર્ગતની રકમ આશરે ચાર ગણી વધારી દીધી છે.
જલ જીવન મિશન: હર ઘર જલ યોજનાનો પ્રારંભ વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટ, 2019ના રોજ કરાવ્યો હતો. જેનો ઉદેશ વર્ષ-2024 સુધીમાં ગ્રામીણ લોકોનું અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓનું જીવનધોરણ સુધારીને પ્રત્યેક ઘર સુધી પીવાલાયક શુદ્ધ પાણી પહોંચાડવાનો હતો. વર્ષ-2020-21માં ગુજરાતના 10.94 લાખ ગ્રામીણ ઘરો સુધી નળથી જળ પહોંચતું કરી દેવામાં આવ્યું છે. જયારે વર્ષ 2021-22 સુધીમાં વધુ 10 લાખ ઘરો સુધી નળ મારફતે શુદ્ધ જળ પહોંચાડવાની યોજના છે. રાજ્યમાં 92.22 લાખ ગ્રામીણ આવાસો છે, જે પૈકીના 77.21 લાખ (આશરે 83%) ઘરો સુધી પાઇપથી પાણી પહોંચતું થાય છે.
ગત વર્ષે, આ યોજનાની સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય જળસંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ જળ જીવન મિશનને વેગવંતુ બનાવીને રાષ્ટ્રીય લક્ષ્યાંક પૂર્વે વર્ષ-2022ના અંત સુધીમાં રાજ્યના પ્રત્યેક ગ્રામીણ ઘરોમાં નળ થી જળ પહોંચાડી દેવાની ખાતરી આપી હતી.
ગુજરાતમાં આશરે 18,000 ગામડાઓ પૈકી 6700 ગામો એવા છે; જ્યાં 100 ટકા ઘરોમાં નળથી જળ પહોંચી ચૂક્યું છે. વર્ષ-2020-21માં બીજા 5900 ગામોમાં 100 ટકા ઘરોને હર ઘર જળ અંતર્ગત નળ દ્વારા પાણી પૂરું પાડવાની કામગીરી ચાલુ થઇ ગઈ છે. અત્રે નોંધવું જોઈએ કે, રાજ્યના 05 જિલ્લાઓના પ્રત્યેક ગ્રામીણ ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ છે.
‘નેશનલ જલ જીવન મિશન” દ્વારા રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વાર્ષિક કાર્યયોજના (Annual Action Plan)ને મંજૂર કરી દેવામાં આવી છે. પીએમ મોદીના ”વિઝન” મુજબ આ વ્યવસ્થાથી કોઈપણ વંચિત રહી જવું જોઈએ નહિ. પ્રધાનમંત્રીના આ વિઝનને સાકારિત કરવા આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર પ્રત્યેક ગામને પાઇપ દ્વારા પાણી પૂરું પાડવાની સાથે પ્રત્યેક ઘરને નળ મારફતે જળ પૂરું પડવાને પ્રાથમિકતા આપી રહી છે. આગામી કેટલાક મહિનાઓમાં રાજ્યના 23 જિલ્લાના 12,000થી વધુ ગામોને 100% ઘરોને ”હર ઘર જલ” આપીને નળથી પાણી પહોંચતું કરવાની કાર્યયોજનાને પૂર્ણ કરવામાં આવશે.
આ કામગીરીના જ ભાગરૂપે, ”100 દિવસનું અભિયાન” 2 ઓક્ટોબર 2020ના રોજ પીએમ દ્વારા શરૂ કરવામા આવ્યું હતું; જેમાં શાળાઓ, આંગણવાડી, આશ્રમશાળાઓમાં નળ દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામા આવી હતી. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 29754 ગ્રામ્ય શાળાઓ અને 42279 આંગણવાડી કેન્દ્રોમાં પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે. 98.5 ટકા શળાઓ અને 91 ટકા આંગણવાડી કેન્દ્રોમાં હાથ ધોવા માટેની સગવડ પૂરી પાડવામા આવી છે. આ અભિયાન દ્વારા એ સુનિશ્વિત કરવામા આવ્યું છે કે બાળકોને સ્વચ્છ પાણી મળે જેથી તેમનું સ્વાસ્થ્ય સુધરે અને સ્વચ્છતા જળવાઇ રહે.