નાઈટ કર્ફ્યૂવાળા 29 શહેરોમાં આવશ્યક વસ્તુ સિવાય તમામ વ્યવસાય બંધ, CM રૂપાણીએ બીજી શું કરી જાહેરાત ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. તેમણે આગામી આઠ દિવસમાં કેટલાક કડક પ્રતિબંધો તથા રાત્રિ કર્ફ્યૂ દ્વારા કોરોના પર વિજય મેળવવા લોકોને સાથે મળીને લડાઈમાં જોડાવા કહ્યું હતું.
ગાંધીનગર: રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસને લઈ રાજ્ય સરકારે આજે સવારે રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના અમલની જાહેરાત કરી હતી. એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. તેમણે આગામી આઠ દિવસમાં કેટલાક કડક પ્રતિબંધો તથા રાત્રિ કર્ફ્યૂ દ્વારા કોરોના પર વિજય મેળવવા લોકોને સાથે મળીને લડાઈમાં જોડાવા કહ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, એક મહિનામાં પાંચ લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શન ગુજરાતની જનતાને ઉપલબ્ધ કરાવ્યા છે. થોડીક અગવડતાઓ પણ સ્વાભાવિક આપણને દેખાઈ રહી છે. ક્યાંક બેડ મેળવવામાં, ક્યાંક ઓક્સિજનમાં તકલીફ દેખાય છે. મૃત્યુનું પ્રમાણ વધ્યું છે પણ ગભરાવાની જરૂર નથી. આ યુદ્ધ છે એમાં જે કરવું પડે એની બધા અધિકારીઓને છુટ આપી છે. પહેલી એપ્રિલથી ગઈ કાલ સુધી બે લાખથી વધુ લોકો સંક્રમિત થયાં છે. સાજા થનાર વ્યક્તિ 14 દિવસે સાજા થાય છે. 92 હજાર લોકો સાજા થઈને ઘરે ગયા છે અને રીકવરીનો આંકડો વધી રહ્યો છે.
ગુજરાતમાં 29 શહેરોમાં કેટલાક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂની સાથે સાથે દિવસમાં પણ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ તથા લોકો ભેગા ન થાય તે માટે કેટલાય સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે સીએમ રૂપાણીએ તે મુદ્દે પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂની સાથે સાથે દિવસ માટે પણ માર્કેટ, મોલ, દુકાન, જીમ-પૂલ, બાગ-બગીચા, બધુ બંધ કર્યું છે.
- રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રી કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત.
- આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે.
- આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
- અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
- આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
- આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.
- તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
- સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
- સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
- સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
- સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.