Gujarat ByPoll Election Result: પોરબંદરથી મોઢવાડિયા અને વિજાપુરથી સીજે ચાવડાની જીત
આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીના પણ પરિણામો જાહેર થઈ રહ્યા છે.
ByPoll Election Result 2024: દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીના પણ પરિણામો જાહેર થઈ રહ્યા છે. ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે. પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અર્જૂનભાઈ મોઢવાડિયાની જીત થઈ છે. અર્જૂનભાઈની 1 લાખ 18 હજાર મતથી જીત થઈ છે. જ્યારે વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાની જીત થઈ છે.
સીજે ચાવડા
સીજે ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપના કેસરીયો કર્યા હતા. સીજે ચાવડા ત્રણ વખતના ધારાસભ્ય અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા હતા. જેમણે છેલ્લી વિધાનસભામાં મુખ્ય દંડકનું પદ સંભાળ્યું હતું જ્યારે તેઓ ગાંધીનગર ઉત્તર મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. 2022 માં ચાવડાએ પોતાનો મતવિસ્તાર બદલીને મહેસાણા જિલ્લાના વિજાપુરથી ચૂંટણી લડી હતી. સીજે ચાવડા 2002માં ગાંધીનગર બેઠક પરથી ગુજરાત વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. જો 2022ના વિજાપુર બેઠકના પરિણામની વાત કરીએ તો ચાવડાએ ભાજપના રમણ પટેલને હરાવી 7053ની લીડથી જીત નોંધાવી હતી.
અર્જુન મોઢવાડિયા
અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેમણે કોંગ્રેસથી નારાજ થઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતુ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. અર્જુન મોઠવાડિયાની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો 1997 માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત 2002 માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયા 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા હતા. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય બન્યા હતા. આ પછી માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને કોંગ્રેસ પાર્ટીની કમાન પણ સંભાળી ચૂક્યા છે. એક સમયે અહેમદ પટેલ બાદ ગુજરાતમાં તેમની ગણના બીજા નંબર પર થતી હતી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અર્જુન મોઢવાડિયા રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીનો ચહેરો હતા. તેમની 2022ની ચૂંટણીની વાત કરીએ તો તેમણે પોરબંદર બેઠક પરથી ભાજપના બાબુ બોખરિયાને હાર આપી હતી.
લોકસભાની સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભાની પાંચ બેઠકો માટે સરેરાશ 62.37 ટકા મતદાન થયું હતું. આ પાંચ બેઠકોમાં વિજાપુર, ખંભાત, પોરબંદર, વાઘોડિયા અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. આ પાંચ પૈકી ખંભાત બેઠક પર સૌથી વધુ મતદાન થયું હતું.