(Source: ECI/ABP News/ABP Majha)
CM રૂપાણી આજે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરશે, બાગાયતી પાકોના નુકસાન માટે સરકારનો નવતર અભિગમ
તૌકતે વાવાઝોડાથી પડી ગયેલા નાળિયેરી, કેરી, આંબા સહિતના બાગાયતી વૃક્ષોનું પુનઃ સ્થાપન કરાશે.
તૌકતે વાવાઝોડાએ ભાવનગર જિલ્લામાં પણ ભારે તારાજી સર્જી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભાવનગરના મહુવા તાલુકાના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. મુખ્યમંત્રી આજે ભાવનગરના મહુવા તાલુકાના ખારઝાંપા, જનતા પ્લોટના અસરગ્રસ્ત વિસ્તારનું જાત નિરીક્ષણ કરીને નુકસાનીનો અંદાજ મેળવશે. સાથે જ ગામ લોકો સાથે સંવાદ કરશે. મહુવા તાલુકાના ગામોના નિરીક્ષણ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી વહીવટી પ્રશાસન સાથે બેઠક કરીને થયેલ નુકસાનીનો અંદાજ મેળવીને યુદ્ધના ધોરણે કામગીરી કરીને બાકી રહેલી સુવિધાઓ પણ જલ્દી પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સહિતના અધિકારીઓ જોડાશે.
તૌકતે વાવાઝોડાથી પડી ગયેલા નાળિયેરી, કેરી, આંબા સહિતના બાગાયતી વૃક્ષોનું પુનઃ સ્થાપન કરાશે. આ માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. વૃક્ષોને સ્થાપિત કરવા ચાર કૃષિ યુનિવર્સિટીઓના 190 વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં જશે. રાજ્યમાં આવા બાગાયતી પાકોના વૃક્ષોને તે જ સ્થળે પુન: સ્થાપિત કરવાનો એક નવતર અભિગમ મુખ્ય મંત્રીએ અપનાવ્યો છે. જેમાં નાશ પામેલા બાગાયતી પાકો નાળિયેરી, કેરીના આંબાને ફરી પુન: સ્થાપિત કરવા માટેની સંભાવનાઓ ચકાસવામાં આવશે. જે અંગે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પાડશે.
તૌકતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત અને જ્યાં બાગાયતી પાકોને સૌથી વધુ વ્યાપક નુકશાન થયું છે તે જિલ્લામાં કૃષિ વૈજ્ઞાનિકોને તાત્કાલિક મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને બોટાદ એમ પાંચ જિલ્લાના 41 તાલુકાઓના 2263 ગામોમાં ખેતી-બાગાયતી પાકોને નુકશાન થયું છે.તેના પ્રારંભિક સર્વે માટે 696 કૃષિ કર્મયોગીઓની 339 ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે.
તૌક્તે વાવાઝોડાએ રાજ્યમાં તબાહી મચાવ્યા બાદ ગુજરાતના સિનિયર IAS અધિકારીઓને રાહત કામગીરી અંગે જવાબદારી સોંપવામાં આવી છે. ગીર સોમનાથની જવાબદારી શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાને સોંપાઈ છે. ભાવનગરની શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને જવાબદારી સોંપાઈ છે. જુનાગઢ માટે કમલ દયાની તથા અમરેલીમાં મનોજ અગ્રવાલની નિમણુંક કરી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લીધા બાદ 1 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.
તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યમાં ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ એમ ચાર જિલ્લામાં સૌથી વધુ તારાજી થઈ છે. ભારે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઇલેક્ટ્રિકના ફિડરો અને ઉર્જા વિભાગના સાધનોને પણ નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઇ જતાં ઉભા પાકને પણ ભારે નુકસાન છે. રાજ્યના માર્ગો અને સંખ્યાબંધ કાચા મકાનોને પણ નુકસાન થયું છે. પશુપાલકોના પશુઓનું પણ નુકસાન હોવાથી તેનું સર્વેક્ષણ કરાશે.