વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના ગામો એલર્ટ, નવસારીના 16, ભરૂચના 26, સુરતના 42, વલસાડ 28 ગામોને સતર્ક રહેવા સૂચના
ગુજરાતના દરિયાકાંઠાના ગામોમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાતના દરિયાકાંઠાના ગામોમાં બિપરજોઈ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આ વાવાઝોડાના ખતરાને લઈ નવસારીના 16, ભરૂચના 26, સુરતના 42, વલસાડ 28 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
સુરત જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવતા 42 ગામોને એલર્ટ કરી તેની પર ખાસ તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની સંભવિત અસરને લઈ કાંઠા વિસ્તારના ગામોના રહીશોને સ્થળાંતર કરવા પડે તો તેની પણ તૈયારી કરી દીધી છે. દરિયામાં દસથી પંદર ફુટ ઊંચા મોજો ઉછળી રહ્યા છે.
નવસારીમાં બિપરજોય વાવાઝોડાની સંભાવનાને જોતા 52 કિમીના દરિયાકાંઠાના 16 ગામડાઓને એલર્ટ કરાયા છે. ગણદેવીના 6 અને જલાલપોરના 10 મળી કુલ 16 ગામોમાં વર્ગ-1 ના અધિકારીઓને નિયુક્ત કરાયા છે. જલાલપોર અને ગણદેવીના ગામડાઓમાં અધિકારીઓ દ્વારા ગ્રામીણો સાથે બેઠકો કરવામાં આવી છે. ગ્રામજનો દરિયાકિનારે ન જાય એની તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. ગણદેવી, જલાલપોર વિસ્તાર તેમજ ગામડાઓમાં રીક્ષા ફેરવી જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. નવસારીમાં બિપરજોય વાવઝોડાની નહીવત અસર થવાની સંભાવના છે. વાવાઝોડાની અસરની સંભાવનાઓ પર જિલ્લા તંત્રની ચાંપતી નજર છે.
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં 5 દિવસ વરસાદની આગાહી
10 જૂન
અમદાવાદ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , અમરેલી , ગીર સોમનાથમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ સિવાયના જિલ્લામાં શુષ્ક વરસાદની શક્યતા છે
11 જૂન
અમદાવાદ , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , તાપી , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
12 જૂન
સુરત , નવસારી , વલસાડ , રાજકોટ , જામનગર , પોરબંદર , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , દેવભૂમિ દ્વારકા , ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
13 જૂન
પાટણ , ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની વધારે શક્યતા છે.
14 જૂન
અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે.