ગુજરાતમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ જાહેર, 64 વર્ષ પછી અમદાવાદમાં જમાવટ!
8 એપ્રિલે શાહીબાગમાં CWC બેઠક, 9મીએ રિવરફ્રન્ટ ખાતે અધિવેશન.

- કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ બાદ ગુજરાતના અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે યોજાશે.
- કાર્યક્રમની શરૂઆત 7 એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમથી થશે.
- 8 એપ્રિલે શાહીબાગમાં CWCની બેઠક અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાશે, જેમાં સોનિયા ગાંધી, ખડગે અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર રહેશે.
- 9 એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું મુખ્ય રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, જેમાં પાર્ટીની ભાવિ રણનીતિ પર ચર્ચા થશે.
- આ અધિવેશન 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષતા કરાયેલ બેલગાવી અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ રહ્યું છે.
Congress National Convention: ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાશે. ત્રણ દિવસીય આ કાર્યક્રમની શરૂઆત તા. 7 એપ્રિલથી થશે. કોંગ્રેસના આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
કાર્યક્રમની શરૂઆત તા. 7 એપ્રિલની સાંજે 7 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ભવ્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમથી થશે. આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું નિદર્શન કરવામાં આવશે, જે ભારતની વિવિધતામાં એકતાની ઝાંખી કરાવશે.
ત્યારબાદ, 8 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અને મંથન કરવામાં આવશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યે કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો અમદાવાદના ઐતિહાસિક ગાંધીઆશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેશે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.
અધિવેશનના મુખ્ય દિવસ એટલે કે 9 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના પ્રતિનિધિઓ ભાગ લેશે અને પાર્ટીની ભાવિ રણનીતિ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરશે.
આ અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, ત્યારબાદ 9 એપ્રિલના રોજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકોની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. આ ઉપરાંત, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ પણ આ મહત્વપૂર્ણ બેઠકોમાં હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે આ AICC અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠકની ચાલુ પ્રક્રિયાના ભાગરૂપે યોજાઈ રહ્યું છે. બેલગાવી ખાતેનું અધિવેશન 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાયું હતું, જે આજના અધિવેશનને વધુ મહત્વનું બનાવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
