ભાજપ-AAP ની 'લડાઈ' માં હવે કૉંગ્રેસ કૂદી! કગથરાએ કહ્યું – ‘કાના-ગોપાલ પોતાના 'આકા' ને પૂછ્યા વિના કંઈ ન કરી શકે!’
પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનો આડેધડ વિકાસ, ભ્રષ્ટાચાર અને બિસ્માર રસ્તાઓ મુદ્દે આકરો પ્રહાર.

Congress vs BJP vs Aam Aadmi Party: સૌરાષ્ટ્રના રાજકારણમાં હાલ વિસાવદર બાદ મોરબી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેની શાબ્દિક ટક્કર બાદ હવે કૉંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે. વરસાદી પાણીના નિકાલ, બિસ્માર રોડ-રસ્તા અને આડેધડ બાંધકામો સહિતના મુદ્દે કૉંગ્રેસે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનું એલાન કર્યું છે.
કૉંગ્રેસના આક્ષેપો: "મોરબી તમારા સપનાનું પેરિસ નહીં, નર્ક બની ગયું છે!"
મોરબીના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર કૉંગ્રેસના અગ્રણી નેતા લલિત કગથરાએ આજે (શુક્રવારે) આક્રમક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે ભાજપ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, "મોરબીનો આડેધડ વિકાસ થયો છે અને નાગરિકો વિવિધ પ્રશ્નોને લઈને ત્રસ્ત છે. મોરબી ભાજપના સમર્થકોએ નિયમો નેવે મૂકીને આડેધડ બિલ્ડિંગો ખડકી દીધી છે, જેના કારણે વરસાદી પાણીના નિકાલનો ગંભીર પ્રશ્ન સર્જાયો છે. વોકળાઓ પર પણ આડેધડ બાંધકામો કરવામાં આવ્યા છે." કગથરાએ પરેશ પટેલના નિયમો વિરુદ્ધ બનેલા બિલ્ડિંગનું પણ ઉદાહરણ આપ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, "મોરબીના લોકો આજે આંદોલનમાં અમારી સાથે જોડાશે કારણ કે અમે તેમની સાથે ઊભા છીએ. આ તમારા સપનાનું પેરિસ નથી, આ નર્ક બની ગયું છે."
ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને AAPના ગોપાલ ઈટાલિયા પર શાબ્દિક પ્રહાર
કગથરાએ મોરબીના વર્તમાન ધારાસભ્યો, ભાજપના કાંતિ અમૃતિયા અને AAPના ગોપાલ ઈટાલિયા પર પણ સીધા શાબ્દિક પ્રહારો કર્યા. તેમણે બંને નેતાઓને પડકાર ફેંકતા કહ્યું કે, "તમારે જો ચેલેન્જ આપવી હોય તો રોડ-રસ્તા સુધારવાની ચેલેન્જ આપો, રાજીનામાની નહીં. તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્યો છો, પૂછ્યા વિના બાથરૂમ પણ ન જઈ શકો! જ્યારે પુલ તૂટી જાય ત્યારે તમે સૂતા રહ્યા, આ તમારી મિલકત નથી કે તમે આડેધડ રાજીનામા આપો."
કગથરાએ કાંતિ અમૃતિયાને પ્રશ્ન કર્યો કે, "તમે ક્યારે મોરબીના પ્રશ્નો ઉઠાવ્યા છે? પડકારો વચ્ચે લોકોએ તમને મત આપ્યા છે. જો બહેનો અને દીકરીઓ થાળીઓ વગાડે તો સમજો કે તેમના કેટલા પ્રશ્નો હશે."
આગામી સોમવારે સવારે 10:30 વાગ્યે, કૉંગ્રેસ દ્વારા મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે. મોરબી શહેર અને જિલ્લાના કૉંગ્રેસ પ્રમુખો સહિતની ટીમ આ લડતમાં જોડાશે, અને તેમણે મોરબીના લોકોને પણ આ આંદોલનમાં જોડાવા અપીલ કરી છે.





















