કાંતિ અમૃતિયાનું રાજીનામા સાથે વિધાનસભા પહોંચવાનું એલાન, ગોપાલ ઇટાલીયાને 'ખુલ્લો પડકાર'
મોરબીથી 150 ગાડીના કાફલા સાથે ગાંધીનગર, સોમવારે સવારે 11 કલાકે શક્તિ પ્રદર્શન

Kanti Amrutia Vs Gopal Italia: ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જાહેરાત કરી છે કે તેઓ સોમવારે સવારે 11 કલાકે 150 ગાડીના ભવ્ય કાફલા સાથે રાજીનામું લઈને વિધાનસભા પહોંચશે. આ ઘટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
વિધાનસભાના ગેટ નંબર 4 બહાર શક્તિ પ્રદર્શન
કાંતિ અમૃતિયા મોરબીથી પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થશે અને વિધાનસભાના ગેટ નંબર 4 બહાર શક્તિ પ્રદર્શન કરશે. આ શક્તિ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય ગોપાલ ઇટાલીયાને આપવામાં આવેલો પડકાર છે. અમૃતિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિધાનસભાના પ્રવેશ દ્વારે 30 મિનિટ સુધી ગોપાલ ઇટાલીયાની રાહ જોશે.
રાજીનામું શરતી: ગોપાલ ઇટાલીયાની હાજરી પર નિર્ભર
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મહત્વની બાબત એ છે કે કાંતિ અમૃતિયાનું રાજીનામું શરતી છે. તેમણે જાહેરાત કરી છે કે જો પદનામિત MLA ગોપાલ ઇટાલીયા ત્યાં આવશે, તો જ તેઓ રાજીનામું આપશે. જો ગોપાલ ઇટાલીયા હાજર નહીં થાય, તો અમૃતિયા પોતાનું રાજીનામું નહીં આપે.
આ રાજકીય ઘટનાક્રમ સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં શું નવો વળાંક લાવે છે તે જોવું રસપ્રદ રહેશે. કાંતિ અમૃતિયાના આ પગલાથી રાજકીય ગરમાવો વધ્યો છે અને સોમવારનો દિવસ રાજકીય દ્રષ્ટિએ મહત્વનો બની રહેશે.
નોંધનીય છે કે, ગુજરાતના રાજકારણમાં અત્યારે 'ચેલેન્જ'નું જોરદાર ચર્ચા ચાલે છે, ને એમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક મોટો દાવ રમ્યો છે! અમૃતિયાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ ખુલ્લેઆમ સ્વીકારી લીધી છે, ને કહી દીધું છે કે, "હું તો રાજીનામું આપવા તૈયાર છું!" આ તો મોરબીમાં હવે 'મોરે મોરાનો' જંગ જામે એવું લાગી રહ્યું છે!
અમૃતિયાનો ખુલ્લો પડકાર: 'આવો ગોપાલ, ભેગા રાજીનામું આપીએ!'
'તમે એકવાર ચૂંટાયા, હું સાત વાર લડ્યો છું!'
કાંતિ અમૃતિયાએ આ નિવેદન ગોપાલ ઇટાલિયાને આપ્યું, ને આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ નિશાન સાધ્યું. એમણે કીધું કે, "તમે તો ખાલી એકવાર ચૂંટાયા છો, ને હું તો સાત વાર ચૂંટણી લડ્યો છું." એમણે ઉમેર્યું કે, "આવતા સોમવારે અધ્યક્ષની સામે આપણે રાજીનામું આપી દઈએ, પછી ચૂંટણી આવે એટલે ખબર પડી જાય કોનામાં કેટલો દમ છે!"
અમૃતિયાએ પોતાના મોરબીના કાર્યકર્તાઓ પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો, ને કીધું કે, "તમે અહીં આવો, તમારા આપના દેશના તમામ નેતાઓ આવે ને આપણે ચૂંટણી લડીએ." એમણે આપ પાર્ટી પર કટાક્ષ કરતા કીધું કે, "વિસાવદરમાં એક સીટ જીત્યા એટલે આપના કાર્યકરોએ ને નેતાઓએ આટલો બધો ઉપાડો લીધો છે!"




















